ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર, ડોલર સામે રુપિયો રેકોર્ડ તળિયે પહોંચ્યો, જાણો ભારતમાં તેની શું અસર થશે
Dollar vs Rupee: ઈરાન-ઈઝરાયલ વચ્ચે વણસી રહેલા તણાવના પગલે ડોલર ઈન્ડેક્સ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. ડોલર સામે રૂપિયો આજે 9 પૈસા તૂટી 83.53ની રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. અગાઉ 22 માર્ચ, 2024ના રોજ રૂપિયો 83.45ના તળિયે નોંધાયો હતો. ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેનો સપોર્ટ ડોલરને મળ્યો છે. બીજી બાજુ અમેરિકી ફેડ રિઝર્વ પણ હાલ રેટ કટમાં વિલંબ કરે તેવો આશાવાદ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. જેના લીધે યુએસ ડોલર ઈન્ડેક્સ 6 માસની ટોચે પહોંચ્યો છે.
આયાતો મોંઘી થશે
રૂપિયામાં કડાકાના પગલે ભારત દ્વારા થતી આયાતો મોંઘી થશે. વિદેશ પ્રવાસ અને વિદેશમાં અભ્યાસ પણ મોંઘો થશે. વિશ્વના 85 ટકા વેપાર અમેરિકી ડોલર મારફત થાય છે. વિદેશી રોકાણ પણ ઘટવાની ભીતિ દર્શાવાઈ છે. મોટાભાગની આયાતમાં એક્સચેન્જ રેટ તરીકે ડોલરનો ઉપયોગ થતો હોવાથી ફુગાવો વધી શકે છે.
પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના પગલે ક્રૂડ ઝડપી તેજીથી આગળ વધી રહ્યું છે, જ્યારે બીજી બાજુ ડોલર ઈન્ડેક્સ પણ મજબૂત બન્યો છે. પરિણામે આગામી સમયમાં દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની શક્યતા છે. ભારત પેટ્રોલ-ડીઝલની કુલ વપરાશના 80 ટકા માગ આયાત મારફત પૂરી કરે છે. આજે બ્રેન્ટ ક્રૂડ 0.53 ટકા ઉછાળા સાથે 90.58 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
શેરબજારોમાં મંદી આવી શકે
ડોલરની મજબૂતીના કારણે વિદેશી રોકાણકારો ભારતમાંથી રોકાણ પાછું ખેંચશે, તેમજ નવા રોકાણો પર વિરામ લગાવશે. જેની અસર શેરબજારો પર થશે. ગઈકાલે વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. 3268 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું.
આરબીઆઈ ડોલરની વેચવાલી વધારશે
રૂપિયામાં ઘટાડો જારી રહ્યો તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ડોલર સામે રૂપિયાને ટેકો આપવા ડોલરની વેચવાલીમાં વધારો કરશે. આરબીઆઈની દખલગીરીથી રૂપિયામાં થઈ રહેલો ઘટાડો અટકાવી શકાય. ફોરેન કરન્સી ડેપ્રિસિએશનમાં ઘટાડો કરવા આરબીઆઈ ફોરેક્સ માર્કેટમાં દખલગીરી કરે તેવી શક્યતા છે.