રૂપિયો ઇન્ટ્રાડે તૂટીને 85.80 થઈ અંતે 85.75ના નવા તળિયે પટકાયો
- શેરબજારમાં ઉછાળો છતાં રૂપિયામાં ધવાણ ચાલુ રહેતાં બજારમાં આશ્ચર્ય : વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ૧૦૯ નજીક પહોંચ્યો
- દેશના મેન્યુફેકચરિંગ ક્ષેત્રના નબળા ડેટાની અસર
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરમાં રેકોર્ડ તેજી ઝડપી ગતીએ આગળ વધતાં રૂપિયામાં નવો કડાકો બોલાઈ ગયો હતો. શેરબજારમાં તીવ્ર ઉછાળો છતાં કરન્સી બજારમાં રૂપિયામાં ધોવાણ ચાલુ રહેતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. કલોઝીંગ ભાવના સંદર્ભમાં રૂપિયો પટકાઈ આજે નવા નીચા તળિયે ઉતરી ગયો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ડોલરના ભાવ રૂ.૮૫.૬૫ વાળા આજે સવારે રૂ.૮૫.૭૦ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૫.૬૭ થયા પછી ભાવ ઝડપી વધી ઉંચામાં રૂ.૮૫.૮૦ સુધી ઉછળી છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૭૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર સામે જાપાનની કરન્સી ગબડી પાંચ મહિનાના તળિયે ઉતરી ગયાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં નવા પ્રમુખ ટ્રમ્પની નીતિએ ફુગાવો વધારશે એવી ગણતરી વચ્ચે વિશ્વ બજારમાં ડોલર ફ્રન્ટફુટ પર રમી રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેકસ ગયા વર્ષે ૭ ટકા ઉછળ્યા પછી નવા વર્ષના આરંભમાં પણ ડોલરની ફટકાબાજી ચાલુ રહ્યાના વાવડ હતા. યુરોપીયન કરન્સી ગયા વર્ષે ૬ ટકા તૂટી હતી. યુરોપમાં આ વર્ષે વ્યાજના દરમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. બ્રિટીશ પાઉન્ડમાં ગયા વર્ષે જો કે માત્ર ૧.૭૦ ટકાની પીછેહટ નોંધાઈ હતી. ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડના ડોલરના ભાવ બે વર્ષના તળિયે ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયન ડોલર ગયા વર્ષે ૯.૨૦ ટકા જ્યારે ન્યુઝીલેન્ડનો ડોલર ગયા વર્ષે ૧૧.૪૦ ટકા તૂટયો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૮.૮૩ થયાના સમાચાર હતા.
ક્રૂડતેલના ભાવ ઉછળતાં વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ભીતિ જાણકારો બતાવતા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ નવ પૈસા ઘટી ૧૦૭.૦૫ રહ્યા હતા. જો કે રૂપિયા સામે ૭ પૈસા વધી રૂ.૮૮.૭૭ રહ્યા હતા. જાપાનની કરન્સી ૦.૨૯ ટકા રૂપિયા સામે ઉંચકાઈ હતી.
જ્યારે ચીનની કરન્સી ૦.૨૪ ટકા પ્લસમાં રહી હતી. ડોલરમાં આજે પણ આયાતકારોની ખરીદી જળવાઈ રહી હતી. ડોલરના ભાવ હવે ઝડપી વધી રૂ.૮૬ થઈ જવાની શક્યતા બજારમાં ચર્ચાઈ રહી હતી. ભારતના મેન્યુફેકચરિંગના આંકડા નબળા આવતાં તેની અસર પણ રૂપિયા પર વર્તાઈ રહી હતી. રૂપિયાને પીઠબળ આપવા હવે રિઝર્વ બેન્ક કેવી નીતિ અપનાવે છે તેના પર બજારની નજર રહી હતી.
ફોરેક્સ ભાવ
ડોલર |
રૃ ૮૫.૭૫ |
પાઉન્ડ |
રૃ ૧૦૭.૦૫ |
યુરો |
રૃ ૮૮.૭૭ |
યેન |
રૃ ૦.૫૫ |