રૂપિયો અમેરિકન ડોલર સામે તૂટી રેકોર્ડ તળિયે, ક્રૂડના ભાવોમાં વૃદ્ધિની અસર
Dollar vs Rupee: ભારતીય રૂપિયો આજે અમેરિકી ડોલર સામે 7 પૈસાથી વધુ તૂટી 84.05ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં આરબીઆઈની દખલગીરીથી ડોલર સામે રૂપિયાનું સ્તર જાળવી રાખવામાં આવતા તે 83.50 પર સ્થિર થયો હતો. પરંતુ ક્રૂડના વધતા ભાવો અને વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલીના કારણે અંતે ડોલર સામે 84નું લેવલ ક્રોસ કરી ઓલટાઈમ લો થયો હતો.
ક્રૂડ 10થી વધુ મોંઘુ થયું
મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે ક્રૂડના ભાવો આસમાને પહોંચતાં રૂપિયો નબળો પડ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં જ 10 ટકાથી વધુ ઉછળ્યું હતું. ગઈકાલે પણ 3.5 ટકાથી વધુ ઉછળી 79.1 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠો અને આયાત પર અસર થઈ છે. ભારતે 2023-24માં 138 અબજ ડોલરનું ક્રૂડ આયાત કર્યું હતું.
આ પણ વાંચોઃ વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધાર્યો
FIIની 54231.90 કરોડની વેચવાલી
વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારમાંથી સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં એફઆઈઆઈએ રૂ. 54231.90 કરોડની વેચવાલી નોંધાવી છે. જેની અસર પણ રૂપિયા પર થઈ છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે ફેડ વ્યાજના દરોમાં ઘટાડો કરવાનું હાલપૂરતુ સ્થગિત કરે તેવી અટકળો વચ્ચે વિદેશી રોકાણકારો ફંડ પાછું ખેંચી રહ્યા છે.
આરબીઆઈ દખલગીરી વધારશે
આરબીઆઈ દ્વારા રૂપિયાનું સ્તર જાળવી રાખવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આરબીઆઈના ડેટા અનુસાર, 27 સપ્ટેમ્બર સુધી દેશની ફોરેક્સ રિઝર્વ વધી 704.9 અબજ ડોલરની રેકોર્ડ ટોચે પહોંચી હતી. રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવા માટે આરબીઆઈએ સોમવારે અનૌપચારિક રીતે બેન્કોને રૂપિયા સામે મોટો દાવ ન રમવા સૂચના આપી હતી.