ડોલર સામે સતત ગગડતો રૂપિયો : 83.50ની સપાટીએ
- ડોલર સામે રૂપિયો નબળો પડી 83.34એ બંધ
- અનિશ્ચિત વાતાવરણ વચ્ચે ટ્રેડીંગ અચાનક જ બંધ થઇ જતા રિઝર્વ બેન્કનો તપાસનો આદેશ
મુંબઈ : રિઝર્વ બેંકે આજે ફોરેકસ માર્કેટમાં અચાનક જ ટ્રેડીંગમાં આવી પડેલા વિક્ષેપ અને તેના કારણે ડોલર સામે રૂપિયો ૮૩.૫૦ની ઈતિહાસની સૌથી નીચી સપાટીએ સ્પર્શતા તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોએ આપેલી વિગત અનુસાર ટ્રેેડીંગ દરમિયાન કેટલાક સોદા પડવા બંધ થઇ ગયા હતા અને ક્યાંક ટ્રેડીંગ જ બંધ થઇ ગયું હતું. આ સ્થિતિ માનવીય ભૂલ કે પછી કોઈ અન્ય કારણોસર આવી છે કે નહી તે જાણવા માટે રિઝર્વ બેંકે તપાસના આદેશ આપ્યા છે.
દરમિયાન, ફેડરલ રિઝર્વના વ્યાજ દર જરૂર પડે વધારવામાં આવશે એવા નિવેદન બાદ શુક્રવારે ડોલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડી ૮૩.૩૪ની નીચી સપાટીએ બંધ આવ્યો હતો. બજારના વર્તુળોએ જણાવ્યું હતું કે ૮૩.૫૦ બાદ રિઝર્વ બેંકે ડોલર વેચવાનું શરુ કરતા રૂપિયાને ટેકો મળ્યો છે. બીજી તરફ બજારમાં ધારણા છે કે ડોલરની વધી રહેલી માંગના કારણે રૂપિયો હજુ પણ ઘટાડાના દબાણમાં જોવા મળશે.
આજે ટ્રેેડીંગ દરમિયાન કેટલાક ડીલર્સ સોદા કરી શકતા ન હતા તો કેટલાક સ્થળોએ સીસ્ટમમાં લોગ-ઇન જ શક્ય નહી હોવાથી ટ્રેડીંગમાં અફરાતફરી જોવા મળી હતી. સોદા ઉભા રહેતા અને તેની સામે કેટલાક લોકો જ સોદા કરી શકતા હોવાથી ડોલર સામે રૂપિયા ઉપર ભારે દબાણ જોવા મળ્યું હતું. રિઝર્વ બેંકે તપાસના આદેશમાં જણાવ્યું છે કે આકસ્મિક સ્થિતિમાં ટ્રેડીંગ બંધ રહે તો તેના માટેના તાકીદના પગલાં લેવાની સીસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી કે નહી.
ડોલર સામે સર્વાધિક નીચી સપાટી ૮૩.૫૦ બાદ આવેલી ખરીદી પછી પણ રૂપિયો ૮૩.૩૪ની વિક્રમી નીચી સપાટીએ બંધ આવ્યો હતો. રિઝર્વ બેંક છેલ્લા કેટલાક દિવસોથી ૮૩ અને ૮૩.૩૦ની વચ્ચે બજારમાં ડોલર વેચી રહી સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરી રહી છે. શેરબજારમાં વિદેશી સંસ્થાની વેચવાલી, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને અને અમેરિકન ડોલરની વધી રહેલી માંગના કારણે ભારતીય ચલણ સતત ઘટી રહ્યું છે.