ડોલર સામે રૂપિયો તૂટીને 87.96 નવું તળીયું બતાવ્યું : અંતે રિકવર થઈ 87.48
- ટ્રમ્પના ટેરિફ યુદ્વના પગલે વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા વધતાં...
મુંબઈ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્વમાં હવે સ્ટીલ અને એલ્યુમીનિયમની આયાત પર વધારાની ૨૫ ટકા ટેરિફ લાદવાના કરેલા નિવેદને વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા વધતાં ફોરેન એક્સેચેન્જ માર્કેટ (ફોરેક્સ માર્કેટ)માં પણ આજે સતત ઉથલપાથલ જોવાઈ હતી. ટ્રમ્પ હજુ આ સપ્તાહમાં ટેરિફ મામલે નવા આકરાં નિર્ણયો જાહેર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું પતન થવાનું ચાલુ રહ્યું હતું. ૮૭.૯૬નું નવું તળીયું બતાવી આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરી થતાં છેલ્લે રૂપિયો ૫ પૈસા રિકવર થયો હતો.
ઈન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ઈન્ટ્રા-ડે તૂટીને ૮૭.૯૫ના નવા ઐતિહાસિક તળીયે આવી ગયો હતો. જે અંતે શુક્રવારનાબંધ લેવલથી ૫ પૈસા સુધરીને અંતે ૮૭.૪૮ રહ્યો હતો. અગાઉ સર્વોચ્ચ નીચી સપાટી ૮૭.૫૯ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય શેર બજારોમાંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) સતત શેરો વેચીને ડોલર ઘરભેગા કરી રહ્યા હોઈ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આ દરમિયાન ડોલર ઈન્ડેક્સ પણ છ કરન્સીના બાસ્કેટ સામે આજે ૦.૨૬ ટકા મજબૂત બની ૧૦૮.૩૨ રહ્યો હતો.
શેરોમાં વેચવાલીના પરિણામે ડોલરની જાવક સાથે આયાતકારો મજબૂત થતાં જતાં ડોલરને લઈ પોતાની આયાત જરૂરીયાતોને પહોંચી વળવા ડોલરની ખરીદી કરી રહ્યા હોઈ રૂપિયો નબળો પડી રહ્યાનું પણ બજારના નિષ્ણાંતોનું કહેવું છે. ફોરેક્સના ટ્રેડરોની હવે અમેરિકા અને ભારતના ફુગાવાના આ સપ્તાહમાં જાહેર થનારા આંકડા પર નજર રહી છે. આ દરમિયાન બ્રેન્ટ ક્રુડના ભાવ ૦.૯૮ ટકા વધીને ૭૫.૩૯ ડોલર જેટલા રહ્યા હતા.
ફોરેક્સ માર્કેટમાં અન્ય દેશોના ચલણો સામે રૂપિયો આજે યુરો સામે ૫૪ પૈસા નબળો પડી ૯૦.૩૧, બ્રિટીશ પાઉન્ડ સામે ૩૯ પૈસા નબળો પડી ૧૦૮.૫૪ અને જાપાનીઝ યેન સામે ૦.૫૭ રહ્યો હતો.