રૂપિયો ડોલર સામે 83.37ની ઐતિહાસિક નીચી સપાટીએ
- ફૂલગુલાબી અર્થતંત્ર, વૈશ્વિક સ્તરે નબળો ડોલર છતાં
- એશિયાઇ ચલણો ડોલર સામે નરમ પડતા રૂપિયાને પણ અસર
અમદાવાદ : વૈશ્વિક બજારમાં ડોલરમાં નબળાઈ, ભારતમાં વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારા છતાં ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે સતત બીજી વખત સાપ્તાહિક ઘટાડા સાથે બંધ આવ્યો હતો. આ સાથે ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટી ૮૩.૩૬૭૫ ઉપર બંધ આવ્યો છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો ૮૩.૩૪૨૫ બંધ રહ્યો હતો. ઇન્ટરબેંક ફોરેકસ માર્કેટમાં ટ્રેડીંગ દરમિયાન છેલ્લા એક મહિનાથી ડોલર સામે રૂપિયો ૮૨.૯૦ થી ૮૩.૪ની સપાટીની સાંકડી વધઘટે જોવા મળી રહ્યો છે.
ભારતીય અર્થતંત્રમાં મજબૂતી અને ઊંચા વિકાસના દરેક પરીબળ હોવા છતાં રૂપિયો ઘટી રહ્યો છે. કરવેરાની સરકારની આવક, કંપનીઓના પરિણામ અને જુલાઈ સપ્ટેમ્બરમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર રિઝર્વ બેંકની ધારણા કરતા ઉંચો આવે તેવી ઉજ્જવળ અપેક્ષા વચ્ચે સ્થાનિક ચલણ નરમ જોવા મળી રહ્યું છે.
ગ્લોબલ ફોરેકસ માર્કેટમાં અમેરિકન ડોલરનું વિશ્વના છ મુખ્ય ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ ૧૦૩.૫૫ની સપાટીએ હતો જે સતત બીજા સાપ્તાહિક ઘટાડા તરફ નિર્દેશ કરે છે. આ સાથે નવેમ્બર મહિનામાં ડોલર ૨.૫ ટકા જેટલો ઘટેલો છે જે છેલ્લા એક વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો સૂચવે છે. તા. ૧ નવેમ્બર ડોલર ઇન્ડેક્સની સપાટી ૧૦૭.૧૧ની હતી તેની સામે અત્યારે તે ૧૦૩.૫૫ની સપાટીએ જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં ફુગાવો નાથવા માટે ફેડરલ રિઝર્વે સતત વ્યાજના દર ઘટાડયા પછી હવે વ્યાજ દર ઘટાડવા માટેની તૈયારીઓ થઇ રહી હોવાની ધારણા છે ડોલરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડોલરની નબળાઈ વચ્ચે એશીયાઇ ચલણો પણ નરમ જોવા મળ્યા હતા. થાઈલેન્ડનો બહાત ૦.૬ ટકા અને કોરીયન વોન ૦.૫ ટકા ઘટીને બંધ આવ્યા હતા.
શુક્રવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે ૮૩.૩૩ની સપાટીએ ખૂલ્યા બાદ એક તબક્કે ઘટી ૮૩.૩૮ થયો હતો. સત્રના અંતે તે ત્રણ પૈસા નબળો પડી ૮૩.૩૭ બંધ રહ્યો હતો.
એશીયાઇ દેશોના ચલણો ડોલર સામે નરમ રહેતા અને ભારતમાં આયાતકારોએ ડોલરની સતત ખરીદી ચાલુ રાખતા ડોલર સામે રૂપિયો નરમ રહ્યો હતો. જોકે, ક્રૂડ ઓઈલના ભાવ નરમ હોવાથી રૂપિયાનો ઘટાડો વધુ તીવ્ર ન હતો. તેની કુલ આયાતમાં ક્રૂડ ઓઈલ સૌથી મોટો હિસ્સો ધરાવતો હોવાથી ભારત માટે ક્ડ ઓઈલના ઘટી રહેલા ભાવ રૂપિયાને ટેકો આપે છે.
દેશનું ફોરેકસ રિઝર્વ 11 સપ્તાહની ટોચે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડાઓ અનુસાર તા. ૧૭ નવેમ્બરના રોજ દેશનું વિદેશી હૂંડિયામણ અનામત (ફોરેન એક્સચેન્જ રિઝર્વ) ૧૧ સપ્તાહની ઉંચી સપાટી ૫૯૫.૪૦ અબજ ડોલર નોંધાયું છે. એ દિવસે પુરા થતા સપ્તાહમાં ફોરેકસ રિઝર્વમાં ૫.૧ અબજ ડોલરની વૃદ્ધિ જોવા મળી છે જે ચાર મહિનાની સૌથી મોટી સાપ્તાહિક વૃદ્ધિ છે.