સપ્ટેમ્બર મહિનામાં આ પાંચ મોટા ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરી શકે છે

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
Rule Change In September


Five Rules Change In September: આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને 1 સપ્ટેમ્બર, 2024થી દેશમાં અનેક મોટા ફેરફાર લાગુ થયા છે. જેની અસર સામાન્ય પ્રજાના ખિસ્સા પર થઈ શકે છે. જેમાં એક ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવ વધાર્યા છે. એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આવો જાણીએ આ મહિનાના પાંચ મોટા ફેરફાર...

પ્રથમ ફેરફારઃ એલપીજી ગેસ મોંઘો થયો

આઈઓસીએલની વેબસાઈટ અનુસાર, દિલ્હીથી માંડી મુંબઈ સુધી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. અને નવી કિંમતો 1 સપ્ટેમ્બર, 2024થી લાગુ કરવામાં આવી છે. જેના લીધે દિલ્હીમાં હવે 19 કિગ્રી એલપીજી સિલિન્ડર રૂ. 1652.50, મુંબઈમાં રૂ. 1605થી રૂ. 1691.50 છે. જેમાં પ્રતિ સિલિન્ડર ભાવ રૂ. 39 વધ્યો છે. કોલકાતામાં તે રૂ. 1764.50થી વધી રૂ. 1802.50, મુંબઈમાં રૂ. 1605થી રૂ. 1644 અને ચેન્નઈમાં રૂ. 1817થી રૂ. 1855 થયો છે.

આ પણ વાંચોઃ  મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો

બીજો ફેરફારઃ હવાઈ ઈંધણના ભાવ ઘટ્યા

સપ્ટેમ્બરની પહેલી એટીએફના ભાવમાં ઘટાડો થયો છે. જે હવાઈ મુસાફરી કરનારા માટે સારા સમાચાર છે. હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઈન ફ્યુલના ભાવ રૂ. 500 સુધી ઘટ્યા છે. દિલ્હીમાં રૂ. 97975.72 પ્રતિ કિલોલીટરથી ઘટી રૂ. 93480.22 પ્રતિ કિલોલીટર થયો છે.

ત્રીજો ફેરફારઃ ક્રેડિટ કાર્ડનો નિયમ બદલાયો

 જો તમે એચડીએફસી બેન્કનું ક્રેડિટ કાર્ડ વાપરો છો, તો આ ફેરફાર તમારા માટે છે. પહેલી તારીખથી એચડીએફસી બેન્કના યુટિલિટી ટ્રાન્જેક્શન પર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નિયમ લાગૂ કરવા માટે આજની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ ફેરફાર હેઠળ બેન્કના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ટ્રાન્જેક્શન્સ પર દરમહિને 2000 પોઈન્ટ્સ સુધી જ ક્રેડિટ રિવોર્ડ મળી શકશે. તદુપરાંત થર્ડ પાર્ટી એપ મારફતથી એજ્યુકેશનલ પેમેન્ટ કરવા પર એચડીએફસી બેન્ક કોઈ રિવોર્ડ આપશે નહીં.

ચોથો ફેરફારઃ તહેવારો નિમિત્તે બેન્કોના કામકાજ બંધ

સપ્ટેમ્બર મહિનામાં ગણેશ ચતુર્થી અને ઈદે-મિલાદ નિમિત્તે બેન્કો અને સરકારી કચેરીઓમાં જાહેર રજા રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર તથા રવિવારની પણ રજા હોવાથી જો તમારે પણ બેન્કનું કોઈ કામ કરવાનું હોય તો આરબીઆઈ હોલીડે લિસ્ટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) ચેક કર્યા બાદ કરજો.

પાંચમો ફેરફારઃ આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની તક 

આધાર કાર્ડ સાથે સંબંધિત સૌથી મહત્વપૂર્ણ કામ આ મહિને કરી શકશો. વાસ્તવમાં, મફત આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ તમે આધાર સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકશો નહીં. 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. જો કે, અગાઉ મફત આધાર અપડેટની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી હતી. 

સપ્ટેમ્બર મહિનામાં આ પાંચ મોટા ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરી શકે છે 2 - image


Google NewsGoogle News