ક્રેડિટ કાર્ડના નિયમથી લઈને LPGના ભાવ...1 ઑગસ્ટથી થશે 5 મોટા ફેરફાર, જાણો કેટલું બગડશે બજેટ!
1st August rules Changes: જુલાઈ મહિનો પૂર્ણ થવાના આરે છે, બે દિવસ બાદ શરુ થનાર ઑગસ્ટ મહિનો રોજિંદા જીવનમાં અનેક પરિવર્તનો લાવશે. ૧ ઑગસ્ટથી ઘરની રસોઈથી માંડી ખિસ્સા પર અસર થશે. જેમાં એલપીજી સિલિંડરની કિંમતથી માંડી ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવનો સમાવેશ થાય છે.
પ્રથમ ફેરફારઃ એલપીજીના ભાવ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિંડરની કિંમતમાં ફેરફાર કરતી હોય છે. જો કે, અમદાવાદ સહિત ગુજરાતમાં ગેસ સિલિંડરના ભાવોમાં હજી સુધી કોઈ ફેરફાર કરવામાં ન આવતાં ભાવ યથાવત્ રહેવાના સંકેત છે. ગત મહિને દેશભરમાં 19 કિગ્રાના કોમર્સિયલ ગેસ સિલિંડરની કિંમતમાં ફેરફાર થયા હતા. નવી દિલ્હી ખાતે કોમર્સિયલ પીએલજી સિલિંડરના ભાવમાં રૂ. 30નો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વખતે લોકોને સ્થાનિક સિલિંડરના ભાવમાં રાહતનો આશાવાદ છે.
બીજો ફેરફારઃ એટીએફ અને સીએનજી-પીએનજી રેટ
એલપીજી સિલિંડરની જેમ દર મહિને પેટ્રોલ-ડિઝલ અને એર ટર્બાઇન ફ્યૂઅલના ભાવમાં પણ ફેરફાર થાય છે. 1 ઑગસ્ટ, 2024ના રોજ નવા ભાવ રજૂ કરવામાં આવશે. એપ્રિલમાં એટીએફના ભાવમાં ઘટાડો થયો હતો.
ત્રીજો ફેરફારઃ એચડીએફસી બૅન્ક ક્રેડિટ કાર્ડ
ખાનગી સેક્ટરની ટોચની બૅન્ક એચડીએફસીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે પણ 1 ઑગસ્ટથી ફેરફાર થશે. એચડીએફસી બૅન્ક ક્રેડિટ કાર્ડ દ્વારા થર્ડ પાર્ટી એપ પેટીએમ, ક્રેડ, મોબિક્વિક, ફ્રિચાર્જ અને અન્ય મારફત ચૂકવણી કરી શકાશે, પરંતુ તેના પર ટ્રાન્જેક્શન ચાર્જ 1 ટકા લગાવવામાં આવશે. પ્રતિ ટ્રાન્જેક્શન રૂ. 3000 લિમિટ નક્કી કરવામાં આવી છે. રૂ. 15000થી ઓછા ફ્યૂઅલ ટ્રાન્જેક્શન પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, 15000થી વધુના ટ્રાન્જેક્શન પર 1 ટકો ચાર્જ લાગુ થશે.
આ પણ વાંચોઃ સેન્સેક્સમાં તેજીનો આંખલો દોડ્યો, નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો, શેરબજારમાં રોકાણકારોને લ્હાણી
ચોથો ફેરફારઃ ગુગલ મેપ પર ચાર્જ
ગુગલ મેપ પણ 1 ઑગસ્ટ, 2024થી ભારતમાં પોતાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે દેશભરમાં લાગુ થશે. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને પોતાની ગુગલ મેપ સર્વિસ પર ભારત માટે ચાર્જ 70 ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરી છે. તદુપરાંત હવે ગુગલ પોતાની મેપ સર્વિસનું પેમેન્ટ ડોલરના બદલે ભારતીય રૂપિયામાં સ્વીકારશે.
પાંચમો ફેરફારઃ 13 દિવસનો બૅન્ક હોલિડે
ઑગસ્ટ મહિનામાં જો બૅન્ક સંબંધિત કોઈ કામ હોય તો, ઘરેથી નીકળતા પહેલાં રિઝર્વ બૅન્ક દ્વારા પ્રકાશિત બૅન્ક હોલિડે લિસ્ટ અવશ્ય જોઈ લેજો. ઑગસ્ટ બૅન્ક હોલિડે લિસ્ટ અનુસાર, ઑગસ્ટમાં 13 દિવસ બૅન્કના કામકાજ બંધ રહેશે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, અને સ્વતંત્રતા દિવસ જેવા વિવિધ તહેવારોની જાહેર રજા સામેલ છે. આ રજામાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સત્તાવાર રજા પણ સામેલ છે.