ક્રેડિટ કાર્ડ, UPI, LPGની કિંમતમાં 1 એપ્રિલથી પાંચ મોટા ફેરફાર, જાણો તમને શું અસર થશે
Rule Change From 1st April: માર્ચ મહિનો પૂરો થઈ જવા રહ્યો છે અને નવા ટેક્સ યરની શરુઆત થવા જઈ રહી છે. દર મહિનાની જેમ 1 એપ્રિલ 2025 ઘણાં મોટા ફેરફારો (Rule Change From 1st April) સાથે શરુ થવા જઈ રહ્યું છે. આ ફેરફારોની અસર તમારા રસોડામાં વપરાતા LPG સિલિન્ડરની કિંમતથી લઈને તમારા બૅંક ખાતા સુધી જોવા મળશે. બીજી તરફ જો તમે SBI સહિત અન્ય કોઈપણ બૅંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તેનાથી સંબંધિત નિયમો પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ચાલો 1 એપ્રિલથી અમલમાં આવી રહેલા આ મોટા ફેરફારો વિશે વિગતવાર જાણીએ.
LPGની કિંમતો
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ એન્ડ ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને 1 એપ્રિલ 2025ના રોજ પણ તેમાં ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક સમયમાં જ્યાં 19 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સમાન રહ્યા છે. આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષની શરુઆત સાથે લોકોને 14 કિલોગ્રામ વાળા સિલિન્ડરના ભાવમાં રાહતદાયક ફેરફારની આશા છે.
આ ઉપરાંત CNG -PNGના ભાવ ઉપરાંત એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATFના ભાવમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને 1 એપ્રિલ 2025ના રોજ તેમાં ફેરફાર જોવા મળી શકે છે. CNGના ભાવમાં ઉતાર-ચઢાવથી જ્યાં તમારા વાહન પર થતાં ખર્ચમાં વધારો અથવા અથવા રાહત મળશે, તો બીજી તરફ ATFના ભાવમાં વધારાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે.
ક્રેડિટ કાર્ડ સાથે સબંધિત નિયમો
1 એપ્રિલ 2025થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે, જે તેના પર મળતા રિવોર્ડથી લઈને અન્ય સુવિધાઓને અસર કરશે. એક તરફ જ્યાં SBI પોતાના SimplyCLICK ક્રેડિટ કાર્ડ પર Swiggy રિવોર્ડ્સને 5 ગણાથી ઘટાડીને અડધા કરી દેશે. તો બીજી તરફ એર ઇન્ડિયા સિગ્નેચર પોઇઈન્ટ્સને 30થી ઘટાડીને 10 કરી દેવામાં આવશે. આ ઉપરાંત IDFC First બૅંક ક્લબ વિસ્તારા માઇલસ્ટોનના લાભો બંધ કરવા જઈ રહી છે.
બૅંક એકાઉન્ટ સાથે સબંધિત ફેરફાર
પહેલી એપ્રિલથી સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બૅંક (PNB) સહિત ઘણી બૅંકો ગ્રાહકોના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમોમાં સુધારો કરવા જઈ રહી છે. બૅંક ખાતાધારકના મિનિમમ બેલેન્સ માટે સેક્ટર વાઇસ આધાર પર નવી લિમિટ નક્કી થશે અને મિનિમમ બેલેન્સ ન હોવાની સ્થિતિમાં ફાઇન લગાવવામાં આવી શકે છે
આ UPI એકાઉન્ટ થશે બંધ
1 એપ્રિલથી આગામી ફેરફાર UPI સંબંધિત છે અને જે મોબાઇલ નંબરો સાથે જોડાયેલા UPI એકાઉન્ટ્સ લાંબા સમયથી એક્ટિવ નથી તેને બૅંક રૅકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે. જો તમારો ફોન નંબર UPI એપ સાથે લિંક થયેલો છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ નથી કર્યો, તો તેની સેવાઓ બંધ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ઈમારતો ધરાશાયી, હજારો દટાયાં, મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપમાં 1000ના મોત, 2400 ઈજાગ્રસ્ત
Tax સાથે સબંધિત ફેરફાર
બજેટ 2025માં સરકારે મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી, જેમાં ટેક્સ સ્લેબમાં ફેરફારથી લઈને ટીડીએસ, ટેક્સ રિબેટ અને અન્ય બાબતો સામેલ હતી. બીજી તરફ જૂના ઇન્કમ ટેક્સ ઍક્ટ 1961ના સ્થાને નવું ઇન્કમ ટેક્સ બિલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. આ બધા ફેરફારો 1 એપ્રિલ 2025થી અમલમાં આવવાના છે. નવા ટેક્સ સ્લેબ હેઠળ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા વ્યક્તિઓને ટેક્સ ચૂકવવામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત પગારદાર કર્મચારીઓ 75,000 રૂપિયાના સ્ટેન્ડર્ડ ડિડક્શન માટે પાત્ર રહેશે. આનો અર્થ એ થયો કે 12.75 લાખ રૂપિયા સુધીની પગારની આવક હવે કરમુક્ત થઈ શકે છે. જોકે, આ છૂટ માત્ર એ લોકો પર જ લાગુ પડે છે જેઓ નવો ટેક્સ વિકલ્પ પસંદ કરે છે.
આ ઉપરાંત ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) નિયમો પણ અપડેટ કરવામાં આવ્યા છે, જેમાં બિનજરૂરી કપાત ઘટાડવા અને ટેક્સપેયર્સ માટે કેશ ફ્લોમાં સુધારો કરવા માટે વિવિધ વિભાગોમાં મર્યાદા વધારવામાં આવી છે. ઉદાહરણ તરીકે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ આવક પર TDS મર્યાદા બમણી કરીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, જેનાથી વૃદ્ધો માટે નાણાકીય સુરક્ષા વધી ગઈ છે. બીજી તરફ ભાડાની આવક પર છૂટની મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવી છે, જેનાથી મકાનમાલિકો પરનો બોજ હળવો થઈ ગયો છે અને શહેરી વિસ્તારોમાં ભાડાના બજારને વેગ મળી શકે છે.