RTIમાં ચોંકાવનારા ખુલાસા : SBIએ રૂ.14,940 કરોડના વેચ્યા ચૂંટણી બોન્ડ, સૌથી વધુ ભાજપને 8516 કરોડ મળ્યા
SBI દ્વારા RTIમાં આંકડા અપાયા પણ રાજકીય પક્ષોના નામ આપવાનો ઈન્કાર
ચૂંટણી બોન્ડના સંદર્ભમાં ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા આરટીઆઈ હેઠળ કેટલીક માહિતી આપવામાં આવી છે. જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જે મુજબ, સ્ટેટ બેન્કે છેલ્લા છ વર્ષમાં કુલ રૂ.14906 કરોડથી વધુની રકમના ચૂંટણી બોન્ડનુ વેચાણ કર્યુ છે. જો કે, આ રકમમાંથી કયા રાજકીય પક્ષોને કેટલી રકમ મળી તેની માહિતી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરાયો છે. પરંતુ ચૂંટણી પંચે 2022માં કરેલી જાહેરાત મુજબ કુલ બોન્ડમાંથી 57 ટકા રકમ એકલા ભાજપને જ મળી છે અને બાકીની 43 ટકા રકમ અન્ય તમામ રાજકીય પક્ષોને મળી છે. એટલે કે, બોન્ડના કુલ વેચાણમાંથી સૌથી વધુ રૂ.8516 કરોડ ભાજપને જ્યારે બાકીના તમામ રાજકીય પક્ષોને રૂ.6424 કરોડ મળ્યા હોવાની ગણતરી મુકી શકાય.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સુરતના નાગરીક સંજય ઇઝાવાને આપેલી માહિતીમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જે મુજબ છેલ્લા 6 વર્ષમાં 26,024 ચૂંટણી બોન્ડનુ વેચાણ થયુ હતુ. જે પૈકીમાંથી 22,215 બોન્ડ પૂંજીપતિઓએ અને 3809 બોન્ડ માધ્યમ વર્ગે ખરીધા છે. દેશના ઉદ્યોગપતિઓ પોલિટીકલ પાર્ટીઓને ચૂંટણી બોન્ડ આપવા માટે જાણે પોતાની તીજોરી ખુલ્લી મુકી દીધી હોય એવુ લાગી રહ્યુ છે. કેમકે, છ વર્ષમાં જારી થયેલ 26,024 જેટલા ચૂંટણી બોન્ડના 99.77 ટકા જેટલા બોન્ડ અમીરોએ જ ખરીધા છે.
6 વર્ષ દરમિયાન એક કરોડની કીંમતના 14094 ચૂંટણી બોન્ડ અને દસ લાખની કીંમતના 8121 બોન્ડ દેશના અમીરો દ્વારા ખરીદાયા છે. જેની સરખામણીમાં મધ્યમ વર્ગના લોકો દ્વારા એક હજારના 156 ચૂંટણી બોન્ડ અને 10 હજારના 263 જેટલા બોન્ડ અને એક લાખના 3390 બોન્ડ ખરીદાયા છે. આ રકમમાંથી કઈ પોલીટીકલ પાર્ટીને કેટલો હિસ્સો મળ્યો તેની કોઈ માહિતી SBIએ આપી નથી. SBI દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 8(1)(e) અંતર્ગત પોલીટીકલ પાર્ટીના નામ જાહેર કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, હાલમાં ચૂંટણી બોન્ડ અંગેની મેટર સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. કોર્ટમાં સરકારે એફીડેવીટ કરી જણાવી દીધુ છે કે, કઈ પોલિટીકલ પાર્ટીને કેટલી રકમના કેટલા ચૂંટણી બોન્ડ મળ્યા તે જાણવાનો લોકોને અધિકાર નથી.
બોક્સ કયા વર્ષમાં કેટલી રકમના કેટલા બોન્ડનુ વેચાણ થયુ ?
કુલ સંખ્યા : રૂ. 26024
બોન્ડની કુલ રકમ : રૂ. 14940 કરોડથી વધુ