FPIની રૂ. 9800 કરોડની વેચવાલીથી રોકાણકારોના રૂ. 3.58 લાખ કરોડ ધોવાયા
- સોમવારે શેર બજારમાં કડાકો બોલાયો
- બે સપ્તાહની તેજી બાદ સેન્સેક્સ 1272 અને નિફટી 368 પોઈન્ટ તૂટયા : હેવીવેઈટ શેરો ઝડપથી તુટયા હતા
અમદાવાદ : ચીન દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજોના પગલે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજાર છોડી ચીન તરફ વળતા ચીનના બજારમાં આજે ૧૬ વર્ષ પછી સૌથી મોટો એક દિવસીય ઊછાળો નોંધાયો હતો. જ્યારે ઘરઆંગણે વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીએ સેન્સેક્સ-નિફટીમાં કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે રોકાણકારોના રૂ. ૩.૫૮ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
અર્થતંત્રને વેગ આપવા ચીન દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજના પરિણામે વિદેશી ફંડોએ આકર્ષક વેલ્યુએશને મોટી ખરીદી કરી હતી. બીજી તરફ આજે ઘરઆંગણે વિદેશી રોકાણકારો દ્વારા રૂ. ૯૭૯૨ કરોડની જંગી વેચવાલી હાથ ધરાઈ હતી. જોકે સ્થાનિક સંસ્થાઓ દ્વારા રૂ. ૬૬૪૬ કરોડની ખરીદી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર હરિયાણાની ચૂંટણીમાં અપસેટ સર્જાવાના સંકેતોની પણ બજાર પર પ્રતિકુળ અસર થવા પામી હતી. આ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોપેરથી આવેલી વેચવાલીના દબાણે આજે ઝડપી પીછેહઠ થવા પામી હતી. આજે રિલાયન્સ પાછળ અન્ય હેવીવેઈટ શેરો ઝડપથી તુટયા હતા.
વેચવાલીના ભારે દબાણ પાછળ આજે સેન્સેક્સ ૧૨૭૨.૦૭ પોઈન્ટ તુટી ૮૪૨૯૯.૭૮ ની સપાટીએ ઊતરી આવ્યો હતો. જ્યારે નિફટી ૩૬૮.૧૦ પોઈન્ટ તુટી ૨૫૮૧૦.૮૫ ની સપાટીએ નરમ રહ્યો હતો.
સેન્સેક્સના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટકેપ) રૂ. ૩.૫૮ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૪૭૪.૩૫ લાખ કરોડ રહ્યું હતું.