શેરબજાર, રિયલ એસ્ટેટ, બોન્ડ માર્કેટ કડડભૂસ થશે, કિંમતી ધાતુ અને બિટકોઈનમાં રોકાણ કરોઃ રોબર્ટ
Investment Tips: શેરબજારની તેજીને ધ્યાનમાં લેતાં મોટાપાયે રોકાણકારો શેરોમાં રોકાણ વધારી રહ્યા છે. સોના-ચાંદીમાં પણ તેજીનો લાભ લેવા માટે ઘણા રોકાણકારોએ કિંમતી ધાતુમાં પણ રોકાણ વધાર્યુ છે. પરંતુ આ તેજી જળવાઈ રહેવાની છે કે, નહિં તે વિશે 'Rich Dad Poor Dad'ના લેખક રોબર્ટ ટી. કિયોસાકી (Robert T. Kiyosaki)એ શેરબજાર, રિયલ એસ્ટેટ અને બોન્ડ માર્કેટ વિશે નકારાત્મક વલણ દર્શાવ્યુ છે. તેઓ વૈશ્વિક સ્તરે જોવા મળેલા પડકારોને ધ્યાનમાં લેતાં સોના-ચાંદી અને બિટકોઈનમાં રોકાણ કરવા સલાહ આપી રહ્યા છે.
સ્ટોક બોન્ડ અને રિયલ એસ્ટેટમાં મંદી આવશે
રોબર્ટે સોશિયલ મીડિયા X મારફત રોકાણ અંગે સલાહ આપતાં કહ્યું છે કે, સ્ટોક, બોન્ડ રિયલ એસ્ટેટમાં બબલ ફુલ્યો ફાલ્યો છે. જે ગમે ત્યારે ક્રેશ થશે. પોસ્ટમાં અમેરિકા પર સતત વધી રહેલા દેવાનો પણ ઉલ્લેખ કર્યો છે. દર 90 દિવસમાં અમેરિકાનું દેવુ 1 લાખ કરોડ ડોલર વધી રહ્યુ છે, અમેરિકાનું દેવાળુ ફુંકાઈ રહ્યુ હોવાની આશંકા દર્શાવતાં રોબર્ટે સલાહ આપી છે કે, પોતાને બચાવો, મહેરબાની કરીને સોના-ચાંદી અને બિટકોઈન ખરીદો. બધું જ બરબાદ થઈ જશે. મુશ્કેલીના સમયમાં માત્ર સોનું-ચાંદી અને બિટકોઈન જ સહારો આપશે.
બિટકોઈન 23 લાખ ડોલરનો થશે
બિટકોઈન અંગે રોબર્ટે કૈથી વુડના અંદાજનો પુનોચ્ચાર કરતાં કહ્યું છે કે, બિટકોઈન 23 લાખ ડોલર સુધી વધી શકે છે. જે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. મને કૈથી વુડના અંદાજ અને આગાહી પર વિશ્વાસ છે, જેથી હું તેની ખરીદી વધારીશ. વાસ્તવિક દુનિયામાં સૌથી ધનિક અને આનંદિત લોકો એ છે કે, જેઓ ભૂલ કરે છે, અને પોતાની ભૂલોમાંથી શીખે છે. મારૂ માનવુ છે કે, બિટકોઈન 23 લાખ ડોલર સુધી વધશે.
The EVERYTHING BUBBLE, stocks, bonds, real estate SET to CRASH. US debt increasing by $1 trillion every 90 days. US BANKRUPT. Save your self. Please buy more real gold, silver, Bitcoin.
— Robert Kiyosaki (@theRealKiyosaki) April 7, 2024
ચાંદીમાં રોકાણ માલામાલ બનાવશે
રોબર્ટ ટી. કિયોસાકીએ અગાઉ પણ ધનવાન બનવાનો માર્ગ ચાંદીમાં રોકાણ દર્શાવ્યો હતો. તેઓ અગાઉ પણ ઘણીવખત સોના-ચાંદીમાં રોકાણ અંગે સલાહ આપી ચૂક્યા છે. ખાસ કરીને કિયોસાકી ચાંદી પર સૌથી વધુ બુલિશ વલણ ધરાવે છે. ગત વર્ષે એક પોસ્ટમાં તેમણે લોકોને ચાંદીમાં રોકાણ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો તમે ગરીબમાંથી અમીર બનવા માગતા હોવ, તો હવે સમય આવી ગયો છે. ચાંદી મારફત ધનવાન બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો.
ચાંદી 3થી 5 વર્ષ માટે 20 ડોલર પર જળવાઈ રહેશે, બાદમાં આગામી સમયમાં 100 ડોલરથી 500 ડોલર સુધી વધશે. ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીની માગ સતત વધી રહી છે.