નિવૃત્તિ બાદ મોજમસ્તીથી જીવવું હોય તો 5 ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે બહુ કામની, દર મહિને મળશે પેન્શન
Retirement Planning: મોટાભાગના લોકો પોતાના વર્તમાન અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા બચત અને રોકાણ કરતા હોય છે, પરંતુ તેઓ પોતાના રિટાયરમેન્ટ બાદના જીવન અંગે કોઈ પ્લાનિંગ કે મૂડી એકત્ર કરતા નથી અથવા તો ભૂલી જાય છે. જેના લીધે સ્વાભિમાનમાં જીવેલા લોકોને ઘડપણમાં બીજાનો આશરો લેવો પડે છે, કામ કરવુ પડે છે. આવુ તમારી સાથે ન બને તે માટે અત્યારથી જ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી બચતનો અમુક હિસ્સો રોકાણ કરી નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી શકો છો. અહીં અમે તમને પાંચ રિટાયરમેન્ટ સ્કીમ અંગે જણાવવા જઈ રહ્યા છે, જેમાં રિટાયરમેન્ટ બાદ દરમહિને પેન્શન મેળવી શકો છો.
1. સિનિયર સિટીજન સેવિંગ સ્કીમ એકાઉન્ટ (SCSS)
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં વાર્ષિક 8.20 ટકા વ્યાજ મળે છે. લઘુતમ રોકાણ મર્યાદા રૂ. 1000 અને મહત્તમ રૂ. 30 લાખ સુધી છે. આ રકમ એક જ વખતમાં જમા કરાવી પાંચ વર્ષની મુદ્દત દરમિયાન વ્યાજપેટે માસિક ધોરણે આવક મેળવી શકો છો. જમા રકમ પર આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ દોઢ લાખ સુધીની છૂટ મળે છે.
2. અટલ પેન્શન યોજના
આ યોજના ખઆસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે બનાવી છે. જેમાં રોકાણના આધારે 60 વર્ષની ઉંમર બાદ રૂ. 1000થી રૂ. 5000 સુધીનું માસિક પેન્શન મળે છે. 18થી 40 વર્ષની વયર્મયાદામાં આ યોજનાનો લાભ લઈ શકો છો.
3. પોસ્ટઓફિસ મંથલી ઈનકમ સ્કીમ
આ યોજનામાં એક સાથે રોકાણ કરી પાંચ વર્ષ સુધી માસિક પેન્શન પ્રાપ્ત કરી શકો છો. પાંચ વર્ષ બાદ જમા રકમ પરત થાય છે. આ યોજનામાં વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે. જેમાં દરમહિને મહત્તમ રૂ. 9250ની આવક મેળવી શકો છો.
4. મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન (SWP)
મ્યુચ્યુઅલ ફંડ પણ સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન હેઠળ દરમહિને ચોક્કસ રકમ ઉપાડની સુવિધા આપે છે. જેમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં એકસામટુ રોકાણ કરી તમારા ફંડમાંથી નિશ્ચિત રકમ મહિનાની નિશ્ચિત તારીખે ઉપાડી શકો છો. જો કે, માર્કેટની સ્થિતિ સાથે જોડાયેલુ હોવાથી તમારી મૂડીમાં વધ-ઘટ થતી રહેતી હોય છે.
5. ફિકસ્ડ ડિપોઝિટ
પોસ્ટ ઓફિસ અને બેન્ક વિભિન્ન મુદ્દત માટે ફિકસ્ડ ડિપોઝિટની સુવિધા આપે છે. એફડી પર જમા રકમ પર તમને માસિક, ત્રિમાસિક, વાર્ષિક, અર્ધવાર્ષિક ધોરણે વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકોની તુલનાએ 0.25 ટકા વધુ વ્યાજ મળે છે.