Retirement Fund: શું તમે જાણો છો PPF અને EPF વચ્ચેનો ભેદ, બંનેમાં એકસાથે રોકાણ શક્ય!
PPF And EPF: આખી જિંદગી ઘર અને પરિવારની જવાબદારી નિભાવ્યા બાદ વ્યક્તિ નિવૃત્તિની પળો પોતાની મરજી મુજબ આનંદથી જીવવા માગતો હોય છે. મોટાભાગના લોકો નિવૃત્તિ સમયે પોતાની બાકી રહી ગયેલી મોજશોખની ઈચ્છાઓ-આકાંક્ષાઓ પૂરી કરવાનું દિવાસ્વપ્ન જોતા હોય છે. જેના માટે નાણાકીય રીતે સક્ષમ હોવુ જરૂરી છે. આર્થિક સધ્ધરતા ઈમરજન્સી, મેડિકલ, તેમજ આરામથી નિવૃત્તિની પળો માણવા માટે અનિવાર્ય છે.
નોકરી કરતાં લોકો રિટાયરમેન્ટ માટે પીએફ કપાય છે, અને તે નિવૃત્તિ દરમિયાન મોટુ કોર્પસ ઉભુ કરશે, તેવી આશાઓ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે, મોટાભાગની કંપનીઓ માત્ર ઈપીએફમાં જ રોકાણ કરતી હોય છે. કર્મચારી નિવૃત્તિ માટે મોટી રકમનું વેલ્થ ક્રિએટ કરવા પીપીએફમાં જાતે રોકાણ કરી શકે છે. આ બંને એકાઉન્ટમાં એકસાથે રોકાણ કરી શકાય છે.
ઈપીએફમાં તમારૂ અને તમારી કંપનીનું યોગદાન અનિવાર્ય છે. જ્યારે પીપીએફમાં રોકાણ કરવુ અનિવાર્ય નથી. તે સ્વૈચ્છિક યોજના છે. જેમાં તમે તમારી મરજી મુજબ રોકાણ કરી શકો છો.
ઈપીએફ
આ એક અનિવાર્ય રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. ઈપીએફમાં કર્મચારી અને એમ્પ્લોયર બંનેનું યોગદાન હોય છે. સેલેરી સ્ટ્રક્ચર અનુસાર, બંનેનો હિસ્સો નક્કી થાય છે. જેમાંથી ઈમરજન્સી દરમિયાન અમુક રકમ ઉપાડી શકો છો. સંપૂર્ણ રકમ રિટાયરમેન્ટ બાદ જ ઉપાડી શકો છો.
પીપીએફ
પગારદારો નિવૃત્તિ બાદ સારૂ એવુ ફંડ ઉભુ કરી શકે તે હેતુ સાથે આ યોજનામાં રોકાણ કરી શકે છે. જે ટેક્સ ઘટાડવામાં પણ મદદ કરે છે. પીપીએફનો લઘુત્તમ લોક ઈન પિરિયડ 15 વર્ષનો હોય છે. પીપીએફ લાંબા ગાળાનારોકાણ માટેની યોજના છે. પીપીએફ પગારદાર ઉપરાંત કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે.
PPF Vs EPF
ઈપીએફનો વ્યાજદર 8.25 ટકા અને પીપીએફનો વ્યાજદર 7.1 ટકા છે. દરવર્ષે સરકાર ઈપીએફના રેટ જારી કરે છે. આ વર્ષે ઈપીએફનો રેટ પીપીએફ કરતાં વધુ છે. જ્યારે નોકરીમાંથી છૂટા થાવ છો, ત્યારે ઈપીએફ એકાઉન્ટમાંથી રકમ ઉપાડી શકો છો. જ્યારે પીપીએફમાં 15 વર્ષનો લોકઈન પિરિયડ હોવાથી રકમ ઉપાડી શકાય નહિં. પીપીએફ સામે લોન લઈ શકો છો. જ્યારે ઈપીએફમાં અંગત જરૂરિયાતો માટે અમુક રકમ ઉપાડી શકો છો. પીપીએફના વ્યાજ પર થતી કમાણીમાં કર છૂટનો લાભ મળે છે. જ્યારે ઈપીએફમાં આવકવેરા અધિનિયન 1961ની કલમ 80 સી અંતર્ગત ડિડક્શન થાય છે.