F&Oમાં મોટો દાવ લગાવવાથી રીટેલ ટ્રેડરોએ દૂર રહેવું જરૂરી : સેબી
- બ્રોકર લેવલે ટેકનીકલ ખામીના કિસ્સામાં પોઝિશન રદ કરવા, સ્કવેર ઓફ કરવા આઈઆરઆરએ નવું પ્લેટફોર્મ રજૂ કરાયું
- શેરોમાં લાંબાગાળાનો વ્યુ રાખીને રોકાણ કરવું હિતાવહ
મુંબઈ : ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં મોટા દાવ લગાવનારા રીટેલ ટ્રેડરોને ચેતી જવા મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)ના ચેરપરસન માધબી પુરી બુચે સલાહ આપી છે. આ સાથે તેમણે શેર બજારોમાં લાંબાગાળાના ધ્યાને રોકાણ કરવા પર ફોક્સ કરવું હિતાવહ હોવાનું રોકાણકારોને જણાવ્યું છે.
ઈન્વેસ્ટર રિસ્ક રિડકશન એક્સેસ(આઈઆરઆરએ) પ્લેટફોર્મ રજૂ કરતાં સેબી ચેરપરસને સેબી દ્વારા ગત વર્ષે કરાયેલા અભ્યાસમાં દરેક ૧૦ રોકાણકારોમાંથી નવ રોકાણકારો ડેરિવેટીવ્ઝ માર્કેટમાં નુકશાની કરતાં હોવાનું જણાયાનો ઉલ્લેખ કર્યો હતો. ટૂંકાગાળાના ધોરણે ટ્રેડીંગમાં રોકાણકારોને સાપ્તાહિક ધોરણે નુકશાની વેઠવી પડી શકે એવી સ્થિતિ સર્જાઈ શકે છે એમ માધબી પુરી બુચે કહ્યું હતું.
રોકાણકારો જો લાંબાગાળાનો વ્યુ રાખે અનેરોકાણના કોલ્સ ખોટા પડવાની શક્યતાઓ ઓછી રહેશે. લાંબાગાળામાં સમય જતાં સંપતિનુ સર્જન થવાની અત્યંત સારી શકયતા રહી શકે એવું તેમનું માનવું છે.
એક્સચેન્જો દ્વારા નિર્માણ કરાયેલુનં આઈઆરઆરએ પ્લેટફોર્મ બ્રોકરના લેવલે ટેકનીકલ ખામી સર્જાવાના કિસ્સામાં ડેરિવેટીવ્ઝ માર્કેટમાં વર્તમાન પોઝિશનો સ્કવેર ઓફ, રદ કરવા અથવા પાછી ખેંચવામાં રોકાણકારોને મદદરૂપ થશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બ્રોકરો તેમના ઓનલાઈન એપ્લિકેશનોમાં ટેકનીકલ ખામીઓનો સામનો કરવો પડયો છે, અને ખાસ જ્યારે વોલ્યુમનું પ્રમાણ અત્યંત વધારે હોય ત્યારે આવું થતું જોવાયું છે. આ પરિસ્થિતિમાં આઈઆરઆરએ રોકાણકારોને તેમની પોઝિશનો સમયાવધિમાં સેટલ કરવામાં મદદરૂપ થઈ શકશે.
ભૂતકાળમાં આ પ્રકારના ટેકનીકલ ખામીઓના કિસ્સામાં બ્રોકરોએ માર્જિન કોલ્સની ખાતરી માટે તેમના ગ્રાહકોની ઊભી પોઝિશન સ્કવેર ઓફ કરવાની ફરજ પડી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રોકાણકારોએ તેમની એસેટ્સ અને પોઝિશનોનો અંકુશ પોતાની પાસે જ રાખવો જોઈએ, કોઈ અન્યને ગેરકાયદે તેમની એસેટ્સ અથવા પોઝિશનો પર અંકુશ આપવો જોઈએ નહીં.