સપ્ટેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધતા રીટેલ ફુગાવો વધી 5.49 ટકા, નવ મહિનાની ટોચે
- ઓગસ્ટ, 2024માં રિટેલ ફુગાવો 3.65 ટકા હતો
- ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો 9.08 ટકા જ્યારે શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો 9.56 ટકા રહ્યો છે
નવી દિલ્હી : હવામાનની સ્થિતિ અને હાઇ બેઇઝ ઇફેક્ટના કારણે સપ્ટેમ્બર, ૨૦૨૪માં રીટેલ ફુગાવો વધીને ૫.૪૯ ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૩.૬૫ ટકા હતો. જ્યારે જુલાઇ, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૩.૫૪ ટકા હતો.
સપ્ટેમ્બર, ૨૦૨૪માં રીટેલ ગ્રામીણ ફુગાવો ૫.૮૭ ટકા અને શહેરી રીટેલ ફુગાવો ૫.૦૫ ટકા રહ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર કન્ઝયુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (સીએફપીઆઇ) વાર્ષિક ધોરણે ૯.૨૪ ટકા રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો ૯.૦૮ ટકા જ્યારે શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો ૯.૫૬ ટકા રહ્યો છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના આંકડા અનુસાર ખાદ્ય વસ્તુઓનો ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને ૯.૨૪ ટકા થયો છે. જે ઓગસ્ટમાં ૫.૬૬ ટકા અને સપ્ટેમ્બર, ૨૦૨૩માં ૬.૬૨ ટકા હતો.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇને રીટેલ ફુગાવો બે ટકાની વધ-ઘટ સાથે ચાર ટકા રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. રિઝર્વ બેંકે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગયા સપ્તાહમાં નાણાકીય નીતિની સમીક્ષા પ્રમુખ વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કર્યો ન હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આરબીઆઇને સંકેત મળી ગયા હતાં કે સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો વધી શકે તેમ છે એટલે જ તેણે ગયા સપ્તાહમાં નાણા નીતિની સમીક્ષા બેઠકમાં વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો ન હતોે.
સપ્ટેમ્બર મહિનામાં કઠોળ, મસાલા, માંસ, માછલી અને ખાંડ જેવી વસ્તુઓના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ રહ્યું છે.
જથ્થાબંધ ફુગાવોે પણ વધીને 1.84 ટકા
શાકભાજી સહિતની ખાદ્ય વસ્તુઓ મોંઘી થતાં સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૧.૮૪ ટકા થઇ ગયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઓગસ્ટમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો ૧.૩૧ ટકા હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો માઇનસ ૦.૦૭ ટકા હતો. સપ્ટેમ્બર, ૨૦૨૪માં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૧૧.૫૩ ટકા રહ્યો છે. જ્યારે ઓગસ્ટ, ૨૦૨૪માં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૩.૧૧ ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં શાકભાજીનો ફુગાવો ૪૮.૭૩ ટકા રહ્યો છે. ઓગસ્ટમાં શાકભાજીનો ફુગાવો માઇનસ ૧૦.૦૧ ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં બટાકાના ભાવમાં ૭૮.૧૩ ટકા અને ડુંગળીના ભાવમાં ૭૮.૮૨ ટકાનો વધારો થયો હતો.