ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો વધીને 6.2 ટકા : 14 મહિનાની ટોચે
- તહેવારોની સિઝનમાં મોંઘવારીએ માઝા મૂકી
- ખાદ્ય ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં 10.69 ટકા અને શહેરી વિસ્તારોમાં 11.09 ટકા : ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવ વધ્યા
- રીટેલ ફુગાવો સપ્ટેમ્બર, 2024માં 5.49 ટકા જ્યારે ઓક્ટોબર, 2023માં 4.87 ટકા હતો
નવી દિલ્હી : ઓક્ટોબરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો વધીને ૬.૨૧ ટકા નોંધવામાં આવ્યો છે. જે છેલ્લા ૧૪ મહિનામાં સૌથી વધુ છે. સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ૫.૪૯ ટકા નોંધવામાં આવ્યો હતો. ઓક્ટોબર, ૨૦૨૩માં રીટેલ ફુગાવો ૪.૮૭ ટકા હતો. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, ૨૦૨૩થી રીટેલ ફુગાવો ૬ ટકાથી ઓછો રહ્યો હતો. ઓગસ્ટ, ૨૦૨૩માં રીટેલ ફુગાવો ૬.૮૩ નોંધવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇ પોતાની દ્વિમાસિક નાણાકીય નીતિ નક્કી કરતી વખતે રીટેલ ફુગાવાના આંકડાઓને ધ્યાનમાં લે છે. કેન્દ્ર સરકારે આરબીઆઇને રીટેલ ફુગાવો ચાર ટકા (બે ટકાની વધ-ધટ માન્ય) સુધી રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે.
ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવો વધીને ૯.૬૯ ટકા થઇ ગયો છે. જે સપ્ટેમ્બરમાં ૯.૨૪ ટકા હતો. ગ્રામીણ મોંઘવારી પણ સપ્ટેમ્બરમાં ૫.૮૭ ટકાથી સરખામણીમાં વધીને ૬.૬૮ ટકા થઇ ગઇ છે.
શહેરી મોંઘવારી ગયા મહિનાની ૫.૦૫ ટકાથી વધીને ૫.૬૨ ટકા થઇ ગઇ છે. ખાદ્ય ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં ૧૦.૬૯ ટકા અને શહેરી વિસ્તારોમાં ૧૧.૦૯ ટકા રહ્યો છે.
શાકભાજી, ફળોે અને તેલ જેવી જરૂરી વસ્તુઓના ભાવ વધવાને કારણે ખાદ્ય ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે. ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવ સમગ્ર મહિનામાં ઉંચા રહ્યાં હતાં. ડુંગળીના ભાવ ૪૦-૬૦ રૂપિયા પ્રતિ કીલોથી વધીને ૭૦-૮૦ રૂપિયા થઇ ગયા હતાં.
ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી આદિતી નાયરના જણાવ્યા અનુસાર ફેબુ્રઆરી ૨૦૨૫થી આરબીઆઇ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. રીટેલ ફુગાવો વધીને આવતા હાલમાં વ્યાજ દરોમાં ઘટાડાની કોઇ શક્યતા નથી.
બીજી તરફ આજે કેન્દ્ર સરકારે આજે જારી કરેલા આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદન વધીને ૩.૧ ટકા રહ્યું છે. ઓગસ્ટ, ૨૦૨૩માં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ માઇનસ ૦.૧ ટકા રહી હતી.
સપ્ટેમ્બરમાં માઇનિંગ, મેન્યુફેકચરિંગ અને પાવર જનરેશન જેવા ક્ષેત્રોના સારા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં માઇનિંગ સેક્ટરમાં ૦.૨ ટકા, મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ૩.૯ ટકા અને વીજળી સેક્ટરમાં ૦.૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.