મોંઘવારી વધતાં EMI ભરનારાઓ અને પ્રજા પરેશાન ! RBIના પ્રયાસો છતાં ઑક્ટોબરમાં મોંઘવારી દર 6%ને પાર, આ વસ્તુઓના વધ્યા ભાવ
Retail Inflation Rate : ભારતીય રિઝર્વ બૅન્ક(RBI) દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં મોંઘવારી દરમાં ઘટાડો થઈ રહ્યો નથી. ઑક્ટોબર મહિનાની વાત કરીએ તો, આ મહિનામાં છૂટક મોંઘવારી દર 14 મહિનાના રૅકોર્ડ 6.2 ટકા પર પહોંચી ગયો છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 5.5 ટકા નોંધાયો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી શાકભાજીના ભાવો આસમાને જતા સામાન્ય પ્રજા મોંઘવારીના સામનો કરી રહી છે. તો છૂટક મોંઘવારીનો દરમાં વધારો થતાં લોન ભરનારાઓની પણ મુશ્કેલી વધી ગઈ છે. મળતા અહેવાલો મુજબ, શાકભાજીના વધતા ભાવોના કારણે આ દર વધ્યો છે અને તેની અસર ખાદ્ય ફુગાવા પર પડી છે.
‘રેપો રેટમાં ફેરફાર નહીં થાય તો...’
ડિસેમ્બર મહિનામાં આરબીઆઇની મોનિટરિંગ પોલિસીની સમીક્ષા (MPC) બેઠક યોજાવાની છે, જો કે તે પહેલા મોંઘવારી દર 14 મહિનાના રૅકોર્ડ સ્તરે પહોચીં ગયો છે અને એવી આશા છે કે, એમપીસીની બેઠકમાં રેપો રેટ જૂના લેવલ પર જ યથાવત્ રાખવામાં આવશે. છેલ્લી 10 એમસપીસીની બેઠકમાં રેપો રેટ 6.5 ટકાના લેવલ પર યથાવત્ રાખવામાં આવ્યો છે, જોકે આ વખતની બેઠકમાં ફેરફાર નહીં થાય તો સતત 11મી વખત રેપો રેટ યથાવત્ સ્થિતિએ જોવા મળશે.
આ પણ વાંચો : ભારતીય રૂપિયો આ દેશોની કરન્સી સામે 500 ગણો મજબૂત, જ્યાં ફરવાનો ખર્ચ બજેટ નહીં ખોરવે
RBIના અનેક પ્રયાસ છતાં મોંઘવારી દર વધ્યો
આરબીઆઇ મોંઘવારી દર જાળવવા માટે અનેક પ્રયાસો કરે છે, તેમ છતાં ઑક્ટોબર મહિનામાં છૂટક મોંઘવારીના દરમાં વધારો થયો છે. ઑક્ટોબર-2023માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાનો દર 4.87 ટકા હતો. NSOના ડેટા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર ઑક્ટોબરમાં વધીને 10.87 ટકા થયો અને આ જ દર સપ્ટેમ્બરમાં 9.24 ટકા તેમજ ઑક્ટોબર-2023માં 6.61 ટકા હતો. ગયા મહિને આરબીઆઇએ રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો. કેન્દ્ર સરકારે આરબીઆઇને મોંઘવારીનો દર 4 ટકા (બે ટકાના તફાવત સાથે) રાખવાની જવાબદારી સોંપી છે.
મોંઘવારી વધવાના કેટલાક કારણો
ખાદ્ય પદાર્થોની કિંમતો વધવા પાછળના મુખ્ય કારણો શાકભાજી, ફળો અને તેલ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો છે. આખા મહિના દરમિયાન ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવ ઊંચા રહ્યા હતા. તો બીજી તરફ દાળ, ઈંડા, ખાંડ અને મસાલાના ભાવમાં ઘટાડો થયો છે. ઑક્ટોબરમાં ડુંગળીના ભાવમાં થયેલો તીવ્ર વધારો ચિંતાજનક છે. જથ્થાબંધ ડુંગળીના ભાવ 40-60 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 70-80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.