આગામી નાણાં વર્ષમાં રિટેલ ફુગાવો નોંધપાત્ર નીચો રહેવાનો અંદાજ
- ૨૦૨૨-૨૩માં ફુગાવો નવ વર્ષની ટોચે હતો
મુંબઈ : દેશમાં રિટેલ ફુગાવો જે વર્તમાન નાણાં વર્ષમાં ૫.૪૦ ટકા જોવાઈ રહ્યો છે તે આગામી નાણાં વર્ષ એટલે કે ૨૦૨૪-૨૫માં ઘટી ૪.૩૦ ટકા પર આવી જવાની સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
આગામી નાણાં વર્ષ માટે રિઝર્વ બેન્કે ફુગાવાનો ૪.૫૦ ટકાનો અંદાજ મૂકયો છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં ફુગાવો ૬.૭૦ ટકા સાથે નવ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હતો.
૨૦૨૩ના ડિસેમ્બરમાં ૫.૭૦ ટકા પરથી જાન્યુઆરીમાં ફુગાવો ઘટી ૫.૧૦ ટકા પર આવી ગયો હતો.
ટમેટા, બટાટા તથા કાંદા જેવા શાકભાજીના પૂરવઠામાં ખલેલ વગર ખાધાખોરાકીનો નીચો ફુગાવો મહત્વની બાબત છે.
વર્તમાન નાણાં વર્ષમાં ૭.૧૦ ટકાની સરખામણીએ ખાધાખોરાકી અને પીણાંનો ફુગાવો આગામી નાણાં વર્ષમાં નોંધપાત્ર ઘટી ૩.૪૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં આ દર ૬.૭૦ ટકા રહ્યો હતો.
કપડા તથા પગરખાંનો ફુગાવો પણ નીચો રહેવાની ધારણાં છે. જો કે રહેઠાણની બાબતમાં ટ્રેન્ડ ઉંધો જોવાઈ રહ્યો છે. આગામી નાણાં વર્ષમાં રહેઠાણ ક્ષેત્રનો ફુગાવો ૪.૫૦ ટકા રહેશે જે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ બાદ સૌથી ઊંચો હશે.