ડિસેમ્બર, 2024માં રીટેલ ફુગાવો ઘટીને 5.22 ટકા : ચાર મહિનાના તળિયે
- શાકભાજી અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવ ઘટયા
- નવેમ્બર, 2024માં રીટેલ ફુગાવો 5.48 ટકા હતો : આરબીઆઇ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા
શાકભાજી અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવ ઘટવાને કારણે ડિસેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૫.૨૨ ટકા થયો છે જે છેલ્લા ચાર મહિનાની નીચલી સપાટી છે તેમ આજે જારી સરકારી આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.
રીટેલ ફુગાવામાં ઘટાડો થવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) પોતાની નાણાકીય નીતિની સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. છેલ્લા બે વર્ષથી રેપો રેટ ૬.૫૦ ટકા પર સ્થિર છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પર આધારિત ડિસેમ્બર, ૨૦૨૪ના રીટેલ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતાં.
રીટેલ ફુગાવામાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉ નવેમ્બર, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૫.૪૮ ટકા હતો. નવેમ્બર, ૨૦૨૩માં રીટેલ ફુગાવો ૫.૬૯ ટકા હતો.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૬.૨૧ હતો. જે આરબીઆઇના લક્ષ્યાંક કરતા વધારે હતો. એનએસઓએ જણાવ્યું હતું કે ડિસેમ્બર, ૨૦૨૪માં શાકભાજી, દાળો, ખાંડ અને અનાજના ભાવમાં ઉલ્લેખનીય ઘટાડો જોવા મળ્યો છે.
એનએસઓ સાપ્તાહિક આધારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પસંદગી કરાયેલા ૧૧૧૪ શહેરી બજારો અને ૧૧૮૧ ગામોમાંથી ભાવ એકત્ર કરે છે.