જુલાઇમાં રિટેલ ફુગાવો ઘટીને 3.54 ટકા : પાંચ વર્ષની નીચલી સપાટીએ
- ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવા અને બેઝ ઇફેક્ટને કારણે ફુગાવો ઘટયો
- જૂનમાં મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને 4.2 ટકા : પાંચ મહિનાના નિમ્ન સ્તરે
- સપ્ટેમ્બર, 2019 પછી પ્રથમ વખત રિટેલ ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્ધારિત લક્ષ્યાંક ચાર ટકાથી ઓછો
નવી દિલ્હી : ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવા અને બેઝ ઇફેક્ટને કારણે જુલાઇમાં રિટેલ ફુગાવો ઘટીને ૩.૫૪ ટકા થઇ ગયો છે જે પાંચ વર્ષની નીચલી સપાટી છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ આજે જૂન મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના પણ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જૂનમાં મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદન ૪.૨ ટકા રહ્યું છે જે પાંચ મહિનાની નીચલી સપાટી છે.
ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો જૂન, ૨૦૨૪માં ૫.૦૮ ટકા અને જુલાઇ, ૨૦૨૩માં ૭.૪૪ ટકા હતો.
સપ્ટેમ્બર, ૨૦૧૯ પછી પ્રથમ વખત રિટેલ ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના નિર્ધારિત લક્ષ્યાંક ચાર ટકાથી ઓછો નોંધવામાં આવ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૧૯માં રીટેલ ફુગાવો ૩.૯૯ ટકા નોંધવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર, ૨૦૨૩ પછી રિટેલ ફુગાવો ૬ ટકાથી ઓછો નોંધવામાં આવ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઇમાં શાકભાજીનો ફુગાવો ૬.૮૩ ટકા નોંધવામાં આવ્યો છે.
જુલાઇમાં ખાદ્ય ફુગાવો ૫.૪૨ ટકા નોંધવામાં આવ્યો છે. જે જૂનમાં ૯.૩૬ ટકા હતો. જુલાઇ, ૨૦૨૩માં આ ફુગાવો ૧૧.૫૧ ટકા હતૌો.
રિટેલ ફુગાવો સૌથી વધારે બિહારમાં ૫.૮૭ ટકા હતો જ્યારે સૌથી ઓછો ફુગાવો ઝારખંડમાં ૧.૭૨ ટકા હતો.
ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિકત ઉત્પાદન મે મહિનામાં ૬.૨ ટકા, એપ્રિલમાં ૫ ટકા, માર્ચમાં ૫.૫ ટકા, ફેબુ્રઆરીમાં ૫.૬ ટકા અને જાન્યુઆરીમાં ૪.૨ ટકા હતો.
જૂન, ૨૦૨૩માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન આધારિત ઉત્પાદનચાર ટકા હતું તેમ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.