RBI ખેડૂતલક્ષી મોટું પગલું ભરશે, સરળતાથી ધિરાણ મળે એ માટે નવી સહકારી બેન્ક શરૂ કરવા આપશે લાઈસન્સ
Cooperative Bank: કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દેશના દરેક શહેર અને ગામડાઓમાં સહકારી બેન્કની સંખ્યામાં વધારો થાય, ત્યારે બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેલ્લા 20 વર્ષથી સહકારી બેન્કની સ્થાપના કરવા માટે લાયસન્સ આપવાનું અટકાવી જ દીધું છે. માધવપુરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેન્કમાં કેતન પારેખ દ્વારા કરવામાં આવેલા ફ્રોડ થયા બાદ ગુજરાતની 70થી 80 જેટલી સહકારી બેન્ક ફડચામાં ગઈ હોવાથી રિઝર્વ બેન્કે સહકારી બેન્ક ચાલુ કરવા માટે નવા લાયસન્સ આપવાનું જ બંધ કરી દીધું છે. આ સ્થિતિમાં હવે ગમે ત્યારે નવી સહકારી બેન્કની સ્થાપના કરવા માટેના લાયસન્સ આપવાનું ચાલુ કરી દેવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: દુનિયાના ટોપ-10 ખુશહાલ દેશ, પાકિસ્તાન ભારત કરતાં ઘણું આગળ, ફિનલેન્ડ સતત 7મી વખત ટોચે
વર્ષ 1993થી 2001 સુધીના આઠ વર્ષના ગાળામાં રિઝર્વ બેન્કે સહકારી બેન્ક ચાલુ કરવા માટે 823 લાઈસન્સ ઈશ્યૂ કર્યો હતા. પરંતુ આ બેન્કનું સંચાલન વ્યવસ્થિત ન થતાં તેમાંથી અંદાજે 35 ટકા બેન્કોની આર્થિક હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તેથી જ કદાચ રિઝર્વ બેન્કે નવી સહકારી બેન્કો ચાલુ કરવા માટે લાયસન્સ આપવાનું બંધ કરી દીધું હતું. રિઝર્વ બેન્કે તાજેતરમાં જ બહાર પાડેલા ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઈન ઈન્ડિયા અંગેના અહેવાલમાં જણાવ્યું છે.
પરિણામે છેલ્લા 20 વર્ષમાં સહકારી બેન્કોની સંખ્યા 1928થી ઘટીને 1472 પર આવી ગઈ છે. દરમિયાન નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને નાના અને મોટા શહેરોની સહકારી બેન્કના માધ્યમથી ધિરાણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાની નેમ છે. દરેકના હાઉસિંગ અને એજ્યુકેશન લોન સરળતાથી અને નિશ્ચિતપણે મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે. આ જ રીતે કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ માટે પણ સરળતાથી ધિરાણ મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે. રિઝર્વ બેન્ક હવે માત્ર એક શહેર કે વિસ્તારમાં ઓપરેટ કરતી સહકારી બેન્કને બદલે એક કરતાં વધુ રાજ્યોમાં સક્રિય બનીને કામ કરે તેવી સહકારી બેન્કોની સંખ્યામાં વધારો થાય તે માટેના પ્રયાસ કરી રહી છે.