RBIએ રેપો રેટમાં 0.25% નો ઘટાડો કર્યો, મોનિટરી પોલિસી કમિટીના બેઠકમાં નિર્ણય
RBI Repo Rate News | ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટ (Repo Rate) અંગે મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ માહિતી આપતાં કહ્યું કે આરબીઆઈ રેપો રેટમાં 0.25% ટકાનો ઘટાડો કરી રહી છે. એટલે કે હવે રેપો રેટ ઘટીને 6.50%થી 6.25% થઈ જશે.
ફેબ્રુઆરી 2023થી સ્થિર હતો રેપો રેટ
આ પહેલા ફેબ્રુઆરી 2023થી રેપો રેટને 6.5% પર સ્થિર રાખવામાં આવ્યો છે જેમાં કોઈ ફેરફાર કરાયા નહોતા. છેલ્લે 2020માં કોરોના મહામારી વખતે રેપો રેટમાં ઘટાડો કરાયો હતો પણ તેના પછી ધીમે ધીમે તેને વધારીને 6.50% કરી દેવાયો હતો.
25 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી EMI કેટલો થશે?
જો કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય અને મુદત 20 વર્ષ માટે હોય, તો EMI 17,356 રૂપિયા હશે, પરંતુ RBI દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી, લોનનો વ્યાજ દર 8.25 ટકા થઈ જશે. તેના આધારે 20 લાખ રૂપિયાની લોન પર માસિક EMI તરીકે માત્ર 17,041 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને 315 રૂપિયાની બચત થશે.