Get The App

ટેરિફ વોરને કારણે રિઝર્વ બેન્ક ફુગાવા કરતા આર્થિક વિકાસ બાબતે વધુ ચિંતીત

- દેશની નિકાસ પર પણ નકારાત્મક અસર જોવા મળશે

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
ટેરિફ વોરને કારણે રિઝર્વ બેન્ક ફુગાવા કરતા આર્થિક વિકાસ બાબતે વધુ ચિંતીત 1 - image


મુંબઈ : અમેરિકા દ્વારા આજથી લાગુ કરાયેલા રેસિપ્રોકલ ટેરિફને કારણે  દેશમાં ફુગાવા કરતા આર્થિક વિકાસ બાબતે રિઝર્વ બેન્ક વધુ ચિંતીત હોવાનું આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 

ટેરિફને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. ફુગાવા કરતા ટેરિફની વિકાસ પર અસરને લઈને અમે ચિંતીત છીએ, એમ ગવર્નરે જણાવ્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૭૦ ટકા પરથી ઘટાડી ૬.૫૦ ટકા કર્યો છે. ફુગાવાની ધારણાં પણ ૪.૨૦ ટકા પરથી ઘટાડી ૪ ટકા કરાઈ છે. ટેરિફમાં કરાયેલા વધારાથી ભારત પર તેની અસર અન્ય દેશોની સરખામણીએ ઘણી ઓછી છે. આપણને સરખામણીએ લાભ છે, એમ પણ મલ્હોત્રાએ જણાવ્યું હતું. 

ટેરિફ વધવાથી વેપાર ગૃહો તથા વપરાશકારો દ્વારા ઈન્વેસ્ટમેન્ટ અને ખર્ચના નિર્ણયોને અસર થશે જેનું પરિણામ આર્થિક વિકાસ પર પડશે. વેપારમાં નરમાઈને કારણે વૈશ્વિક વિકાસ પર સૂચિત અસર ઘરઆંગણે વિકાસ પર જોવા મળશે એટલું જ નહીં દેશની નિકાસ પર પણ નકારાત્મક અસર જોવા મળશે. 

વિદેશ વેપાર કરાર બાબતે ભારત અમેરિકા સાથે સક્રિયપણ વાટાઘાટો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોની ભારતની આર્થિક કામગીરી પર કેવી અસર થશે તેનો સ્પષ્ટ અંદાજ મેળવવાનું હાલમાં પડકારરૂપ છે તેવું જણાવી ગવર્નરે ઉમેર્યુ હતું કે, ઘરઆંગણેના વિકાસના અસરકારક સંચાલન કરી શકવાનો રિઝર્વ બેન્ક વિશ્વાસ ધરાવે છે. 


Tags :