ગોળ પર જીએસટી લદાતાં નારાજગી મહારાષ્ટ્રના બજારોને મોટો ફટકો પડશે
- મહારાષ્ટ્રના બજારોને મોટો ફટકો પડશે
- ગોળનો વપરાશ જનતામાં નોંધપાત્ર વધી રહ્યો છે
મુંબઈ : દેશમાં ફુગાવો તથા મોંઘવારી નોંધપાત્ર વધી ગયા છે ત્યારે ખાદ્ય પદાર્થો પર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી (ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ)ના પગલે બજારોમાં તથા ગ્રાહકોમાં ખાસ્સી નારાજગી ફેલાઈ છે. ગોળ બજારમાં પણ આના પગલે નારાજગી વધી હોવાનું બોમ્બે ગોળ મર્ચન્ટસ એસોસીયેશને જણાવ્યું હતું.
ગોળનો વપરાશ જનતામાં નોંધપાત્ર વધી રહ્યો છે તથા મહારાષ્ટ્રનો ગોળ દેશભરમાં તેની ગુણવત્તા માટે વખાણાતો રહ્યો છે ઉપરાંત ગોળનું ઉત્પાદન ખેડૂત વર્ગ તથા કોટેજ ઉદ્યોગના સ્વરૂપમાં થાય છે ત્યારે હકીકતમાં ગોળના વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ તેના બદલે સરકારે તેના પર પાંચ ટકા જીએસટી લાદતાં આ પ્રશ્ને જનતામાં રોષ જણાયો છે.
આ પ્રશ્ને સમસ્યા ઉકેલવા તથા જીએસટી નાબુદ કરવા કેન્દ્રના નાણાંપ્રધાન તથા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને એસોસીએશને પત્ર લખીને રજૂઆત કરી હોવાનું અધ્યક્ષ દિપકભાઈ શાહે જણાવ્યું હતું. જનતામાં આરોગ્ય માટે ગંભીરતા વધી છે અને ખાંંડના બદલે હવેગોળનો વપરાશ વધ્યો છે ત્યારે ગોળ પર જીએસટી લદાતાં બજારે આંચકો અનુભવ્યો છે.
મહારાષ્ટ્રમાં અડધો તથા એક કિલોની નાના પેકિંગમાં વપરાશકારોની સહુલીયત માટે ગોળ પેક કરીને આવા નાના પેકિંગને ૧૮થી ૨૪ કિલોના બોક્સમાં જથ્થાબંધ બજારમાં વેંચવામાં આવે છે.
ફુડ એન્ડ સેફટીના નિયમો હેઠળ લેબલીંગમાં આવો માલ બજારમાં આવે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જ્યારે સરકારે ૨૫ કિલોની અંદરના પેકિંગ માટે જીએસટીમાં રાહત આપી છે ત્યારે મહારાષ્ટ્રને રાહતના બદલે ઉલ્ટાનો વધુ ફટકો પડયો છે.
મહારાષ્ટ્ર સિવાય ઓલ ઈન્ડિયામાં ગોળ ૩૦થી ૪૦ કિલોના પેકિંગમાં ગની-બેગ્સમાં વિધાઉટ લેબલીંગ પેક કરીને વેંચવામાં આવે છે તથા ગોળ પાવડર પણ આ રીતે વેંચવામાં આવે છે. આવા માલ પર જીએસટી લાગશે નહિં જ્યારે મહારાષ્ટ્રના ગોળ પર જીએસટી લાગસે એ જોતાં મહારાષ્ટ્રને આ પ્રશ્ને મોટો ફટકો પડશે એવું ગોળ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રનો ગોળ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં જાય છે. મહારાષ્ટ્રમાં જીએસટી લાગશે જ્યારે મહારાષ્ટ્રની બહાર જતા ગોળની ખરીદી કરનારા અન્ય રાજ્યોમાં વેપારીઓ પાસે જીએસટી નંબર નહિં હોય તો પછી વેપાર કઈ રીતે કરી શકાશે? એવો પ્રશ્ન પણ બજારમાં પૂછાઈ રહ્યો છે.