રેપો રેટ 0.25 ટકાના ઘટાડા સાથે 6.25 ટકા : લોન સસ્તી થવાની આશા
- આરબીઆઈએ પાંચ વર્ષ બાદ દર ઓછો કર્યો
- ફુગાવો અને વિકાસ દર ઘટતા નિર્ણય લેવાયો : છેલ્લે મે, 2020માં રેપો રેટ 0.40 ટકા ઘટાડી 4 ટકા કરાયો હતો
- 2024-25માં આર્થિક વિકાસનો દર 6.4 ટકા, ફુગાવોનો દર 4.8 ટકા રહેવાનો અંદાજ
મુંબઇ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની મળેલી પ્રથમ જ બેઠકમાં એમપીસીએ પાંચ વર્ષના ગાળા બાદ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો સાવચેતીભર્યો ઘટાડો કર્યો છે.
દેશમાં રિટેલ ફુગાવો ઘટી રહ્યોે છે પરંતુ આર્થિક વિકાસ દર પણ મંદ પડી રહ્યો હોવાથી રેપો રેટમાં આ ઘટાડો આવી પડયો છે. ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસીએ સર્વાનુમતે વ્યાજ દર ૬.૫૦ ટકા પરથી ઘટાડી ૬.૨૫ ટકા કરવાનો નિર્ણય કર્યો છે.
આ ઘટાડાને પરિણામે હોમ લોન, વાહન લોન સહિતની વિવિધ લોનધારકોને લાંબા સમય બાદ ઈએમઆઈમાં રાહત મળશે. મે ૨૦૨૦ બાદ રેપો રેટમાં પહેલી જ વખત ઘટાડો આવ્યો છે.
કોરોનાની મહામારી સમયે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ ઘટાડી મે ૨૦૨૦માં ૪ ટકા લઈ જવાયો હતો. ત્યારબાદ રેપો રેટમાં સતત વધારો કરી ફેબુ્રઆરી ૨૦૨૩ સુધીમાં તે ૬.૫૦ ટકા સુધી લવાયો હતો અને ત્યારથી રેપો રેટનું ઊંચુ સ્તર જળવાઈ રહ્યું હતું.
જોકે ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસીએ નાણાં નીતિનું ન્યુટ્રલ સ્ટાન્સ જાળવી રાખ્યું હતું. એટલે કે હવે પછીની બેઠકમાં તે સમયની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી રેપો રેટ અંગે નિર્ણય લેવાશે. રેપો રેટ ઘટતા સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી દર પણ ઘટી ૬ ટકા થયો છે.
ગયા વર્ષના ડિસેમ્બરમાં રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે હોદ્દો સંભાળ્યા પછી એમપીસીની પ્રથમ જ બેઠક બાદ પોતાના નિવેદમાં સંજય મલ્હોત્રાએ આગામી નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૬.૭૦ ટકા રહેવા તથા ફુગાવો ૪.૨૦ ટકા જોવા મળવાનો અંદાજ મૂકયો હતો.
જો કે વર્તમાન નાણાકીય વર્ષનો આર્થિક વિકાસ દર જે અગાઉ ૬.૬૦ ટકા રહેવાની ધારણાં મુકાઈ હતી તે ઘટાડી હવે ૬.૪૦ ટકા રહેવાનો અંદાજ મુકાયો છે, જ્યારે ફુગાવો ૪.૮૦ ટકા રહેશે એમ મલ્હોત્રાએ સરકારના અંદાજને ટાંકીને જણાવ્યું હતું. વર્તમાન વર્ષનો આર્થિક વિકાસ છેલ્લા ચાર વર્ષનો સૌથી નીચો જોવાઈ રહ્યો છે. ગયા નાણાકીય વર્ષના આર્થિક વિકાસ દર ૮.૨૦ ટકા રહ્યો હતો.
રેપો રેટ ઘટાડવા પાછળનું કારણ જણાવતા ગવર્નરે કહ્યું હતું કે, ફુગાવો ઘટયો છે અને અનાજ ઉત્પાદનની સાનુકૂળ સ્થિતિ અને નાણાં નીતિ અંગે અગાઉના નિર્ણયોના જોવા મળી રહેલા પરિણામોને ધ્યાનમાં રાખતા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ફુગાવો વધુ ઘટી રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટ નજીક પહોંચશે.
ભાવમાં સ્થિરતા, સ્થિર આર્થિક વિકાસ અને નાણાંકીય સ્થિરતા પ્રદાન કરી શકે તેવી સાનુકૂળ બૃહદ આર્થિક સ્થિતિનો માર્ગ મોકળો કરે તેવી નાણાં નીતિમાં સંભાળપૂર્વક આગળ વધવા રિઝર્વ બેન્ક કટિબદ્ધ છે.આર્થિક વિકાસ દર ૨૦૨૪ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૫.૪૦ ટકા જેટલો નીચો રહ્યો હતો તેમાં રિકવરી આવી છે, આમ છતાં, તે ગયા વર્ષની સરખામણીએ ઘણો નીચો છે.
રૂપિયો જ્યારે ડોલર સામે રોજેરોજ નવી નીચી સપાટી દર્શાવી રહ્યો છે, ત્યારે રેપો રેટમાં ઘટાડાથી ફુગાવા તથા રૂપિયા પર દબાણ આવશે જેને પરિણામે મૂડીનો આઉટફલો વધી જશે એમ કેટલાક એનાલિસ્ટો માની રહ્યા છે.
એપ્રિલથી ડેટા જાહેર કરવાનું શરૂ કરાશે
શહેરી વિસ્તારના બેરોજગારીના ડેટા હવેથી દર મહિને જાહેર કરાશે
મુંબઇ : શહેરી વિસ્તારમાં બેરોજગારીના ડેટા હવેથી સરકાર દર મહિને જાહેર કરશે. આગામી એપ્રિલ મહિનાથી આ ડેટા જાહેર કરવાનું શરૂ કરાશે એમ સ્ટેટિસ્ટિકસ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયના સચિવ સૌરભ ગર્ગે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
પોતાના મંત્રાલય દ્વારા બેરોજગારીના ડેટા એકત્રિત કરવાનું જાન્યુઆરીથી શરૂ કરાયું છે પરંતુ માર્ચ ત્રિમાસિકના પરિણામોનો અભ્યાસ કર્યા બાદ ડેટા જારી કરાશે એમ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસની ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તેના કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું.
અત્યારસુધી સરકાર શહેરી વિસ્તારના બેરોજગારીના ડેટા દર ત્રણ મહિને અને ગ્રામ્ય વિસ્તાર માટે દર વર્ષે જાહેર કરતી આવી છે.
મુંબઈની એક સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દર મહિને દેશભરના અંદાજિત આંકડા જાહેર કરે છે.
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસની ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જાહેરાત કરાઇ
નાણાકીય નીતિની સમીક્ષા બેઠકના મુખ્ય મુદ્દા
- વર્તમાન નાણાં વર્ષ માટે આર્થિક વિકાસ દર ૬.૪૦ ટકા રહેવા અંદાજાયો છે. જ્યારે આગામી નાણાં વર્ષ માટે આ દર ૬.૭૦ ટકા રહેવા અંદાજાયો છે.
- વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવો ૪.૮૦ ટકા રહેવા તથા આગામી નાણાં વર્ષમાં ઘટી ૪.૨૦ ટકા રહેવા ધારણાં મુકાઈ છે.
- કેશ રિઝર્વ રેશિઓ ચાર ટકા જાળવી રખાયો છે.
- ધિરાણ દરમાં ઘટાડો થવા સાથોસાથ થાપણ પરના વળતરમાં પણ ઘટાડો થશે
- નાણાં નીતિનું ન્યુટ્રલ સ્ટાન્સ જાળવી રખાયું