Get The App

રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટે ટ્રસ્ટો પાસે ઢગલાબંધ વિગતો માગતા પરેશાન

નાણાં મંત્રીએ બજેટ પ્રવચન ચાલુ કરતાં કરેલી "અમે કરદાતાઓનો વિશ્વાસ કરીએ છીએ"ની વાત માત્ર કાગળ પર

વાર્ષિક હિસાબો સાથે દર વર્ષે દરેક દસ્તાવેજો મૂકવામાં આવતા હોવા છતાં રિન્યુઅલ વખતે પાછા તે દસ્તાવેજો કેમ મગાય છે

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટે ટ્રસ્ટો પાસે ઢગલાબંધ વિગતો માગતા પરેશાન 1 - image


(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,બુધવાર

કેન્દ્ર સરકારની સૂચના મુજબ રજિસ્ટ્રેશન પૂરું થવાના છ મહિના પહેલાથી ટ્રસ્ટના રજિસ્ટ્રેશનને રિન્યુ કરવા માટે અરજી કરનારા ચેરિટેબલ ટ્રસ્ટો પાસે કમિશનર એક્ઝમ્પ્શનની કચેરીના અધિકારીઓ બિનજરૃરી દસ્તાવેજોની માગણી કરીને તેમની પરેશાની વધારી રહ્યા છે. આ દસ્તાવેજોમાં ટ્રસ્ટની રચનાની કોપી ગુજરાતીમાં હોય તો તેને અંગ્રેજીમાં રૃપાંતરિત કરાવી રજૂ કરવા જણાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે મેનેજિંગ ટ્રસ્ટીઓના આઈડી પ્રુફ પણ માગવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટની છેલ્લા પાંચ વર્ષની નફાનુકસાનની બેલેન્સશીટ, ખર્ચના દરેક વાઉચર્સ, પાંચ વર્ષના ઓડિટ રિપોર્ટ, ટ્રસ્ટની પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ, ટ્રસ્ટની તમામ મિલકતોના દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ, ભાડાની મિલકત હોય તો લીઝ ડીડ, છેલ્લા ત્રણ વર્ષમાં મળેલા દરેક ડોનેશનની વિગતો, ટ્રસ્ટેને પહેલા આપવામાં આવેલી માન્યતા વખતે આપવામાં આવેલા તમામ સર્ટિફિકેટ્સની નકલો પણ માગવામાં આવી રહી છે. આ તમામ ઉપરાંત ટ્રસ્ટની કોઈ ધંધાકીય પ્રવૃત્તિ હોય તો તેના હિસોબો પણ માગવામાં આવ્યા છે.

ટ્રસ્ટનું બંધારણ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરાવીને આપોઃ ટ્રસ્ટે કરેલી તમામ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ પણ મંગાવવામાં આવ્યા

૨૦૨૧માં આ ટ્રસ્ટોના રજિસ્ટ્રેશન પાંચ વર્ષ માટે રિન્યુ કરવામાં આવ્યા ત્યારે પણ આટલી વધારે વિગતો માગવામાં આવી નહોતી. હવે પ્રમાણમાં વધુ વિગતો માગવામાં આવતી હોવાથી ચેરિટેબલ ટ્સ્ટોની પરેશાની વધી ગઈ છે. એક તરફ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ૨૦૨૫-૨૫ના બજેટનું ઓપનિંગ કરતાં જ કર્યું હતું કે વી ટ્રસ્ટ ટેક્સ પેયર્સ-અમે કરદાતાઓનો વિશ્વાસ કરી રહ્યા છીએ. પરંતુ ચેરિટેબલ ટ્રસ્ટો પાસેથી માગવામાં આવેલી વિગતો જોતાં તેમને કરદાતાઓ પર રતિભાર વિશ્વાસ ન હોય તેમ જણાઈ રહ્યું છે. ચેરિટેબલ ટ્રસ્ટોએ એક વાર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ૧૦ વર્ષ સુધી તે રિન્યુ કરાવવું નહિ પડે તેની પણ જાહેરાત ૨૦૨૫-૨૬ના બજેટમાં કરવામાં આવી છે. 

ચેરિટેબલ ટ્રસ્ટોને રિન્યુઅલની નોટિસ મળ્યા પછી તેમને માથે જવાબદારીનો મોટો બોજ આવી ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ટેક્સના નિષ્ણાત પ્રમોદ પોપટનું કહેવું છે કે એક તરફ સરળતાની વાત કરવામાં આવી રહી છે, બીજીતરફ દર વર્ષે રિટર્ન ફાઈલ કરતી વખતે તમામ હિસાબો રજૂ કરવામાં આવે જ છે. આ સંજોગમાં છેલ્લા પાંચ વર્ષના હિસાબો નવેસરથી મંગાવવાનો કોઈ જ અર્થ નથી. દર વર્ષે આપવામાં આવતા ફાઈલ કરવામાં આવતા રિટર્ન સાથે ડોનેશનની વિગતો સાથેનું ફોર્મ ૧૦ - બી.ડી. ફાઈલ કરવામાં આવે જ છે. તેમ જ ગુજરાતના ૯૦ ટકાથી વધુ ટ્રસ્ટોને ટ્રસ્ટડીડ ગુજરાતી ભાષામા ંજ હોય છે. દરેક ટ્રસ્ટે તેનું ટ્રાન્સલેશન કરાવવા માટે રૃપિયા પાંચથી દસ હજારનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

૩૧મી માર્ચ ૨૦૨૫ કે પછી ૩૧મી માર્ચ ૨૦૨૬માં રજિસ્ટ્રેસન પૂરું થઈ રહ્યું હોય તેવા તમામ ટ્રસ્ટોએ દસ વર્ષ માટે રિન્યુઅલ કરાવવાની નોટિમ આપવામાં આવી રહી છે.  




Google NewsGoogle News