ઘર ખરીદનારાને રાહત : બજેટમાં જેનો સૌથી વધુ વિરોધ થયો તેના પર સરકાર નિર્ણય બદલે તેવી શક્યતા
Relief for Home Buyers: ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતા કેન્દ્રની મોદી સરકારે મંગળવારે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG)ની તાજેતરની વ્યવસ્થામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. માહિતી અનુસાર આ ફેરફાર બાદ કરદાતાઓને 23 જુલાઈ, 2024 પહેલાં કમાયેલી મિલકતો પર લિસ્ટિંગ સાથે 12.5 ટકા નો ઓછો ટેક્સ (લિસ્ટિંગ વગરની પ્રોપર્ટી પર) અથવા લિસ્ટિંગ સાથે 20 ટકાના ઊંચા દરમાંથી કોઈ એકની પસંદગી કરવાની છૂટ મળશે. આ પ્રસ્તાવ અંગે સરકાર મંથન કરી રહી છે જેને જલદી લાગુ કરાશે.
બજેટમાં લીધેલા કયા નિર્ણય પર સરકાર પીછેહઠ કરી રહી છે?
આ સુધારા બાદ કરદાતાઓને સ્થાવર મિલકતો પર મળતાં આર્થિક લાભ પર લાગતા ટેક્સમાં રાહત મળશે. આ ફેરફાર નાણાકીય બિલ 2024માં સુધારાના માધ્યમથી કરાયો છે. ખરેખર આ વખતે બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઈન્ડેક્સેશનના લાભને દૂર કરવાનો એક મોટો નિર્ણય લેવાયો હતો. આ સાથે બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 20% થી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં સુધારો કરવા વિચારણા ચાલી રહી છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં કટોકટી: ટેક્સટાઇલ નિકાસને ફાયદો થશે
બજેટમાં કરી હતી મોટી જાહેરાત
બજેટ 2024માં સરકારે પ્રોપર્ટીના વેચાણ પર ટેક્સના નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. તેના પછી વિવાદ વધી ગયો હતો. સરકારે લોન્ગ ટર્મ પર મિલકતના વેચાણ પર થતો LTCG ટેક્સ ઘટાડીને 12.5 ટકા કર્યો હતો. પરંતુ તેના પર ઉપલબ્ધ ઇન્ડેક્સેશન લાભ હટાવી દીધો હતો. પછીથી સરકારે સ્પષ્ટતા કરી હતી કે કઈ પ્રોપર્ટી પર ઈન્ડેક્સેશન લાગુ થશે અને કઈ પ્રોપર્ટી પર નહીં?
પહેલા કેવી હતી સ્થિતિ?
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં એક સ્ટાન્ડર્ડ લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ટેક્સની જાહેરાત કરી હતી. પહેલા અનેક ફાઈનાન્શિયલ અને નોન ફાઈનાન્શિયલ પ્રોપર્ટીઝ પર અલગ અલગ LTCG રેટ લાગુ થતા હતા. જેમ કે એક વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવેલા શેરના વેચાણ પર 10 ટકા ટેક્સ વસૂલાતો હતો જોકે રિયલ એસ્ટેટ અને સોના જેવી નોન ફાયનાન્શિયલ પ્રોપર્ટીને સેલ કરતાં 20 ટકા ટેક્સ વસૂલવામાં આવતો હતો.
આ પણ વાંચો: ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં રૂપિયામાં નવો કડાકો: 84ની નજીક પહોંચી ગયો
પ્રોપર્ટી ટેક્સ અંગે નવો નિયમ શું હતો?
બજેટમાં સરકારે કોઈપણ પ્રકારની પ્રોપર્ટીના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તેનો મતલબ એ કે તમે શેર વેચો કે કોઈ પ્રોપર્ટી વેચો, તમારે 12.5 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. જોકે, સરકારે પ્રોપર્ટીના વેચાણ પર ઉપલબ્ધ ઈન્ડેક્સેશનને હટાવી દીધું હતું. ત્યારપછી સરકારે કહ્યું કે આ ફેરફાર ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
ઇન્ડેક્સેશન શું છે?
ઇન્ડેક્સેશન સમયાંતરે કોઈ મિલકતની ખરીદ કિંમતને સમયની સાથે મોંઘવારી અનુસાર એડજસ્ટ કરે છે. જેનો ઉપયોગ કેપિટલ ગેઇનના કેલ્ક્યુલેશન માટે કરાય છે. સરકાર બેઝ યર (2001-2002) ની તુલનામાં ભાવમાં ફેરફારને માપવા માટે દર વર્ષે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (CII) બહાર પાડે છે. તેના આધારે ગણતરી કરીને ઇન્ડેક્સેશન નક્કી કરવામાં આવે છે.