Get The App

અનિલ અંબાણીની રિલાયન્સ પાવર પર 3 વર્ષનો પ્રતિબંધ, ટેન્ડરમાં નકલી દસ્તાવેજો મૂક્યાનો આરોપ

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
અનિલ અંબાણીની રિલાયન્સ પાવર પર 3 વર્ષનો પ્રતિબંધ, ટેન્ડરમાં નકલી દસ્તાવેજો મૂક્યાનો આરોપ 1 - image


- પ્રતિબંધ રિલાયન્સ પાવરની પેટા કંપનીઓને પણ લાગુ પડશે, કંપનીઓ એસઈસીઆઈના ટેન્ડરમાં ભાગ નહીં લઈ શકે

Anil Ambani News | અનિલ અંબાણીની રિલાયન્સ પાવર સામે મોટી કાર્યવાહી કરતા સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)એ કંપનીને આગામી ત્રણ વર્ષ માટે કોઈપણ ટેન્ડરમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. 

આ વર્ષે જૂનમાં જારી કરાયેલા ટેન્ડરમાં નકલી દસ્તાવેજો સબમિટ કરવાના આરોપોને કારણે સંસ્થાએ આ પ્રતિબંધ લાદ્યો છે.

સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ રિલાયન્સ પાવરની પેટાકંપનીઓને પણ અસર કરશે અર્થાત્ રિલાયન્સ પાવરની કોઈપણ સબસિડિયરી કંપની આગામી ત્રણ વર્ષ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કોઈપણ ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં.

જૂનમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૧ ગીગાવોટ સૌર ઊર્જા અને ૨ ગીગાવોટ સ્ટેન્ડઅલોન બેટરી સ્ટોરેજ માટે બિડ મંગાવી હતી. અનિલ અંબાણીની રિલાયન્સ પાવરની પેટાકંપની મહારાષ્ટ્ર એનર્જી જનરેશન લિમિટેડે આ ટેન્ડરમાં સફળ બિડ કરી હતી. કંપનીએ બેટરી સ્ટોરેજ માટે યુનિટ દીઠ રૂ. ૩.૮૧ની સૌથી ઓછી બોલી લગાવી હતી, જે અત્યાર સુધીના સૌથી સસ્તા દરોમાંની એક છે.

મહારાષ્ટ્ર એનર્જી જનરેશન લિમિટેડ, જે હવે મેસર્સ રિલાયન્સ એનયુ બીઈએસએસ લિમિટેડ તરીકે ઓળખાય છે તેના દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરતા બહાર આવ્યું કે વિદેશી બેંક - ફિલિપાઈન્સ સ્થિત ફર્સ્ટ રેન્ડ બેંક દ્વારા જારી કરવામાં આવેલી બેંક ગેરંટી નકલી હતી. ઈલેકટ્રોનિક રિવર્સ ઓક્શન પછી આ અનિયમિતતા જાણવા મળી હતી તેના કારણે એસઈસીઆઈએ સમગ્ર ટેન્ડર પ્રક્રિયાને રદ કરવી પડી હતી.


Google NewsGoogle News