વૉલ્ટ ડિઝ્ની અને રિલાયન્સ મીડિયાનો વિલય, 70000 કરોડની કંપનીના ચેરપર્સન બનશે નીતા અંબાણી
લાયન્સ આ ડીલ હેઠળ બંને કંપનીઓના વિલયથી બનેલા એકમમાં 11500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
image : Twitter |
Reliance Industries Walt Disney Media Merger news | ભારતમાં વૉલ્ટ ડિઝ્ની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના મીડિયા ઓપરેશનના વિલયની જાહેરાત કરી દેવામાં આવી છે. એક નિવેદન અનુસાર રિલાયન્સ આ ડીલ હેઠળ બંને કંપનીઓના વિલયથી બનેલા એકમમાં 11500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. વૉલ્ટ ડિઝ્ની કંપની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝે બુધવારે ભારતમાં તેના મીડિયા ઓપરેશનનું વિલયન કરી 70000 કરોડ રૂપિયાની એક મોટી કંપની ઊભી કરવાની જાહેરાત કરી હતી.
ચેરપર્સન બનશે નીતા અંબાણી
માહિતી અનુસાર ડિઝ્ની અને રિલાયન્સ આ મામલે એક કરાર ઉપર પણ હસ્તાક્ષર કરશે. કંપનીમાં રિલાયન્સની 63.16 ટકા ભાગીદારી હશે. જ્યારે ડિઝ્નીને 36.84 ટકાની ભાગીદારી મળશે. બંને કંપનીઓના મીડિયા ઓપરેશનથી બનેલા સંયુક્ત ઉદ્યમના ચેરપર્સન નીતા અંબાણીને બનાવાશે. જ્યારે ઉદય શંકર આ નવી કંપનીના ઉપાધ્યક્ષ હશે.
ભારતમાં સૌથી મોટા મનોરંજન સામ્રાજ્યનું નિર્માણ કરાશે
રિલાયન્સ તેના મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ યુનિટ વાયકોમ 18ના માધ્યમથી અનેક ટીવી ચેનલ્સ, જિયો સ્ટ્રીમિંગ એપનું સંચાલન કરે છે. જ્યારે વૉલ્ટ ડિઝ્નીનું ભારતમાં ડિઝ્ની ઈન્ડિયા વેન્ચર છે જેના હેઠળ સ્ટાર ઈન્ડિયા પણ આવે છે. જેની પાસે કલર્સ, સ્ટાર પ્લસ, સ્ટાર ગોલ્ડ, સ્ટાર સ્પોર્ટ્સ જેવી ચેનલોની માલિકી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના મીડિયા ઓપરેશન્સ અને વૉલ્ટ ડિઝ્નીનું વિલય ભારતના સૌથી મોટા મનોરંજન સામ્રાજ્યનું નિર્માણ કરશે. જેનો મુકાબલો ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોનીના સંયુક્ત ઉપક્રમ તથા નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા સ્ટ્રીમિંગ દિગ્ગજો સાથે થશે.