રિલાયન્સ હોમમાં ગોટાળો : અનિલ અંબાણીને સેબીનો 25 કરોડનો દંડ, પાંચ વર્ષનો પ્રતિબંધ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
રિલાયન્સ હોમમાં ગોટાળો : અનિલ અંબાણીને સેબીનો 25 કરોડનો દંડ, પાંચ વર્ષનો પ્રતિબંધ 1 - image


- અંબાણીના મળતિયા બાપનાને 27 કરોડ, સુધાલ્કરને 26 કરોડ, શાહને 21 કરોડની પેનલ્ટી

- છેતરપિંડીનું કાવતરું અનિલ અંબાણીએ ઘડયું, RHFLનાટોચના અધિકારીઓ આદર્યું; આવક, એસેટ્સ, ભંડોળ ન હોય તેવી કંપનીઓને લોન આપીને માંડવાળ કરી એનપીએ જાહેર કરી દેવાઈ

અમદાવાદ : કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર પાંચ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ સહિત ૨૪ અન્ય લોકો પર પણ આ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય અનિલ અંબાણી પર સેબીએ રૂ. ૨૫ કરોડનો દંડ પણ ફટકાર્યો છે અને ૫ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપની અથવા સેબીમાં નોંધાયેલ કોઈપણ મધ્યસ્થીમાં ડિરેક્ટર અથવા 'મુખ્ય સંચાલકીય કર્મચારી' પદ પર ન રહેવાનો હુકમ ફરમાવ્યો છે.

આ ઉપરાંત આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ૨૪ એકમોને પણ રૂ. ૨૧ કરોડથી રૂ. ૨૫ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અનિલ અંબાણી સહિતના આ અધિકારીઓએ રિલાયન્સ હોમ ફાઈનાન્સ કંપનીના નાણાંની ઉચાપત અને ફંડની ગેરરીતિના મામલામાં આ કાર્યવાહી કરી છે. આ સિવાય સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર પણ સિક્યોરિટી માર્કેટમાં ૬ મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે અને તેના પર રૂ. ૬ લાખનો દંડ પણ લગાવ્યો છે. 

સેબીએ ૨૨૨ પાનાના અંતિમ આદેશમાં જણાવ્યું કે, અનિલ અંબાણીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સના મુખ્ય સંચાલકીય કર્મચારીઓની મદદથી રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભંડોળને પોતાની સંલગ્ન સંસ્થાઓમાં લોન તરીકે ડાયવર્ટ કરવાની ર્ યોજના બનાવી હતી. જોકે રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડે આવી ધિરાણ પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ જારી કરી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા હાથ ધરી હતી પરંતુ કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી.

સેબી દ્વારા પ્રતિબંધિત બાકીની ૨૪ સંસ્થાઓમાં આરએચએફએલના ભૂતપૂર્વ ચીફ ઓફિસર અમિત બાપના, રવિન્દ્ર સુધલકર અને પિંકેશ આર. શાહનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં તેમની ભૂમિકા બદલ સેબીએ તેમને પણ દંડ ફટકાર્યો છે. સેબીએ બાપના પર રૂ. ૨૭ કરોડ, સુધલકર પર રૂ. ૨૬ કરોડ અને શાહને  રૂ. ૨૧ કરોડનો દંડ ફટકાર્યો છે. આ સિવાય રિલાયન્સ યુનિકોર્ન એન્ટરપ્રાઈઝ, રિલાયન્સ એક્સચેન્જ નેક્સ્ટ એલટી, રિલાયન્સ કોમશયલ ફાઈનાન્સ લિમિટેડ, રિલાયન્સ ક્લીન્જન લિમિટેડ, રિલાયન્સ બિઝનેસ બ્રોડકાસ્ટ ન્યૂઝ હોલ્ડિંગ્સ લિમિટેડ અને રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સહિત અન્ય સંસ્થાઓ પર ૨૫-૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અંબાણીએ છેતરપિંડી આચરવા માટે એડીએ ગુ્રપના અધ્યક્ષ તરીકેના તેમના પદ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સની હોલ્ડિંગ કંપનીમાં તેમના નોંધપાત્ર પરોક્ષ શેરહોલ્ડિંગનો ઉપયોગ કર્યો હતો. સેબીએ પોતાના આદેશમાં કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરના બેદરકાર વલણનો ઉલ્લેખ કર્યો છે. તેમણે એવી કંપનીઓને કરોડો રૂપિયાની લોન મંજૂર કરી કે જેમની પાસે ન તો અસ્કયામતો હતી કે ન તો રોકડ પ્રવાહ, નેટવર્થ કે આવક. આ ગેરરીતિ દર્શાવે છે કે લોનના પૈસા ટ્રાન્સફર કરવા પાછળ કોઈ મેલો હેતુ હતો. 

સેબીએ જણાવ્યું હતું કે મોટાભાગના તમામ ઋણ લેનારાઓ આરએચએફએલના પ્રમોટરો સાથે નજીકથી સંકળાયેલા હતા. અંતે તેમાંના મોટાભાગના ઋણ લેનારાઓ લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા, જેના કારણે રિલાયન્સ હોમ ફાઈનાન્સ પોતાનું દેવું ચૂકવવામાં ડિફોલ્ટ થયું. અંતે કંપનીનું આરબીઆઈ ફ્રેમવર્ક હેઠળ રિઝોલ્યુશન થયું 


Google NewsGoogle News