Get The App

Reits, InviTs, મ્યુનિ. બોન્ડસમાં આગામી દાયકામાં મજબૂત વૃદ્વિ જોવાશે : સેબી

- FY25માં મૂડીબજારમાંથી રૂ. ૧૪ લાખ કરોડ એકત્ર થશે

- રૂપિયા ૨૫૦ની લઘુત્તમ રકમ સાથે સિપ ટૂંકમાં રજુ કરાશે

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
Reits, InviTs, મ્યુનિ. બોન્ડસમાં આગામી દાયકામાં મજબૂત વૃદ્વિ જોવાશે : સેબી 1 - image


નવી દિલ્હી : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધવી પુરી બુચે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઈક્વિટી અને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ સહિત મૂડી બજારોમાંથી એકત્ર કરવામાં આવેલી કુલ રકમ લગભગ ૨૧ ટકા વધીને રૂ. ૧૪.૨૭ લાખ કરોડ થવાની ધારણા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આ રકમ ૧૧.૮ લાખ કરોડ રૂપિયા હતી.

બુચે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના છેલ્લા નવ મહિનામાં સંસ્થાઓએ ઇક્વિટીમાંથી રૂ. ૩.૩ લાખ કરોડ અને ડેટ માર્કેટમાંથી રૂ. ૭.૩ લાખ કરોડ એકત્ર કર્યા છે, જે કુલ રકમ રૂ. ૧૦.૭ લાખ કરોડ સુધી લઈ ગયા છે. જો આપણે ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માટે અનુમાન લગાવીએ, તો સંભવત: વર્ષ દરમિયાન ઇક્વિટી અને ડેટ બંને સ્વરૂપે રૂ. ૧૪ લાખ કરોડથી વધુ મૂડી એકત્ર કરવામાં આવશે.  

ભારતમાં રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (રીટ્સ), ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસ (ઈન્વિટ) અને મ્યુનિસિપલ બોન્ડસમાં આગામી દાયકામાં મજબૂત વૃદ્વિ જોવા મળશે એમ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધવી પુરી બુચે જણાવ્યું હતું.

આ વૃદ્વિ માત્ર ઈક્વિટી દ્વારા એકત્ર કરવામાં આવેલા રૂપિયા ૩.૩ ટ્રિલિયન  અને ગત નાણા વર્ષમાં ડેટ દ્વારા એકત્ર કરવામાં આવેલા રૂપિયા ૭.૩ ટ્રિલિયનની બરાબરી કરી શકે એમ નથી, પરંતુ તે આ આંકડાઓને પણ સંભવત: વટાવી શકે છે.

ત્રણ મહિના બાદ પ્રથમ વખત જાહેરમાં તેમણે સેબી અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટસ (એનઆઈએસએમ)ના 'સંવાદ' પરિસંવાદમાં આ ટિપ્પણીઓ કરી હતી.ઈક્વિટી જો કે, એક્ત્રિત કરવામાં આવેલી કુલ મૂડીના માત્ર એક ભાગનંવ પ્રતિનિધિત્વ કરે છે.

નાણા વર્ષ ૨૦૨૪-૨૫માં મૂડીની રચના રૂપિયા ૧૦.૭ ટ્રિલિયન સુધી પહોંચી ગઈ હતી. જેમાં રૂપિયા ૭.૩ ટ્રિલિયન પ્રાઈમરી ડેટ માર્કેટમાંથી આવ્યા હતા. વર્ષના અંત સુધીમાં ઈક્વિટી અને ડેટ બન્નેને જોડીને ઊભી કરવામાં આવેલી કુલ મૂડી રૂપિયા ૧૪ લાખ-કરોડથી પણ વધી શકે છે.

નિયમનકાર મ્યુચ્યુઅલ ફંડની નવી દરખાસ્તોને ખૂબ જ ઝડપથી મંજૂરી આપી રહ્યું છે. ઉપરાંત, રૂ. ૨૫૦ ની લઘુત્તમ રકમ સાથે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સિપ) ટૂંક સમયમાં રજુ કરવામાં આવશે.


Google NewsGoogle News