સૌરાષ્ટ્ર સિંગતેલ તથા કોટન વોશ્ડમાં ઘટાડે સપોર્ટ
- વિશ્વ બજારમાં સોયાતેલના ભાવમાં જોવા મળેલી પીછેહટ
- વૈશ્વિક સોયાબીનના ભાવમાં ઝડપી ઉછાળો
મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ સાંકડી વધઘટે એકંદરે શાંત હતા. નવા વેપાર ધીમા હતા. આયાતી પામતેલમાં હવાલા રિસેલમાં ૫૦થી ૧૦૦ ટનના વેપાર થયા હતા. વિશ્વ બજારમાં અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૧૨થી ૧૩ પોઈન્ટ નરમ રહ્યા હતા. જ્યારે સોયાબીનના ભાવ ૧૪૨થી ૧૪૬ પોઈન્ટ ઝડપી ઉંચકાયા હતા સામે સોયાતેલના ભાવ પણ ૮૮ પોઈન્ટ વધી આવ્યા હતા.
દરમિયાન, ઘરઆંગણે સૌરાષ્ટ્ર ખાતે કોટન વોશ્ડના ભાવ ધીમા સુધારા વચ્ચે રૂ.૯૩૦થી ૯૩૫ રહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ રૂ.૧૪૫૦ તથા ૧૫ કિલોના રૂ.૨૩૩૦ના મથાળે શાંત હતા.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૦૦ તથા કપાસિયા તેલના રૂ.૯૯૦ના મથાળે અથડાતા રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ વધી રૂ.૯૬૦થી ૯૬૨ જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૯૩૦ વાળા રૂ.૯૩૫ રહ્યા હતા.
મુંબઈ સોયાતેલના ભાવ ડિગમના રૂ.૯૧૫ તથા રિફાઈન્ડના રૂ.૯૬૦ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૮૭૦ તથા રિફાઈન્ડના રૂ.૯૫૦ રહ્યા હતા. મુંબઈ મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ આજે રૂ.૧૦ ઘટી રૂ.૧૦૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૦૬૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના ભાવ રૂ.પાંચ વધ્યા હતા જ્યારે એરંડા હાજરના ભાવ કિવ.ના રૂ.૨૫ ઉંચકાયા હતા.
મુંબઈ ખોળ બજાર જો કે શાંત હતી. ગોંડલ ખાતે ભાવ પામતેલના રૂ.૯૬૫ તથા સોયાતેલ રિફાઈન્ડના રૂ.૯૪૦ રહ્યા હતા. કોટન વોશ્ડના ભાવ રૂ.૯૩૦થી ૯૩૫ તથા કોટન રિફાઈન્ડના રૂ.૯૭૫ રહ્યા હતા.
સોયાબીનની આવકો મધ્ય પ્રદેશમાં ૫૦ હજાર તથા મહારાષ્ટ્રમાં ૭૫ હજાર ગુણી આવી હતી, મસ્ટર્ડ-સરસવની આવકો રાજસ્થાનમાં ૪ લાખ ૨૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા ૭ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ રૂ.૨૫ વધી રૂ.૫૪૦૦થી ૫૪૨૫ રહ્યા હતા.