વર્તમાન વર્ષમાં પ્રાઈમરી માર્કેટ મારફત વિક્રમી રૂ. 1.19 લાખ કરોડ ઊભા કરાયા
- આઈપીઓ મારફત ઊભી કરાયેલી રકમમાં અમેરિકા બાદ વૈશ્વિક સ્તરે ભારત બીજા ક્રમે
મુંબઈ : સ્વિગી તથા એસીએમઈ સોલારના જાહેર ભરણાની સફળતા બાદ વર્તમાન કેલેન્ડર વર્ષમાં દેશની પ્રાઈમરી માર્કેટ મારફત ભંડોળ ઊભા કરવાની માત્રામાં નવો રેકોર્ડ જોવાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૨૦૨૧માં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મારફત ઊભા કરાયેલા રૂપિયા ૧.૧૮ લાખ કરોડના વિક્રમી આંકને પાર કરી ૨૦૨૪માં અત્યારસુધીમાં આઈપીઓ મારફત રૂપિયા ૧.૧૯ લાખ કરોડ (૧૪ અબજ ડોલર) ઊભા કરાયા છે.
૨૦૨૪ને સમાપ્ત થવાને હજુ ૫૦ દિવસની વાર છે ત્યારે આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવાની માત્રા નોંધપાત્ર ઊંચી જોવા મળશે એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.
વર્તમાન વર્ષમાં ભારતમાં આઈપીઓ મારફત ઊંભી કરાયેલી રકમ વૈશ્વિક સ્તરે બીજી મોટી છે. અમેરિકામાં વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૨૬.૩૦ અબજ ડોલર ઊભા કરાયા છે જ્યારે ૧૦.૭૦ અબજ ડોલર સાથે ચીન બીજા ક્રમે છે. ભારતના શેરબજારમાં સેકન્ડરી બજારમાં ઊંચા મૂલ્યાંકનો તથા સંસ્થાકીય રોકાણકારો પાસે વિપુલ માત્રામાં વધારાની કેશને કારણે પ્રાઈમરી બજારમાં નોંધપાત્ર નાણાં ઠલવાઈ રહ્યા છે, રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.
ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો ઉપરાંત વિદેશી ફન્ડ હાઉસો પણ ભારતની પ્રાઈમરી બજારમાં નાણાં ઠાલવી રહ્યા છે જો કે વિદેશી ફન્ડોની સેકન્ડરી બજારમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોએ વર્તમાન વર્ષમાં પ્રાઈમરી બજારમાં રૂપિયા ૮૭૦૦૦ કરોડ જેટલું રોકાણ કર્યું છે.
વર્તમાન વર્ષમાં આવેલા આઈપીઓમાંથી મોટાભાગના ભરણાંમાં રોકાણકારોને લિસ્ટિંગમાં જ સારુ વળતર જોવા મળ્યું છે. વર્તમાન વર્ષમાં અત્યારસુધીમા ૬૮ કંપનીઓના જાહેર ભરણાં જોવા મળ્યા છે જેમાંથી ૪૯ કંપનીના શેરભાવ ઈશ્યુ પ્રાઈસથી હાલમાં ઊંચા બોલાઈ રહ્યા છે.
પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોના વધી રહેલા રસને પરિણામે દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા પણ ઓકટોબરમાં વધી ૧૭.૯૦ કરોડ પર પહોંચી ગઈ હતી. ૨૦૨૪માં ડીમેટ ખાતાની સંખ્યામાં ૩.૫૦ કરોડનો વધારો થયો છે.