Get The App

ટ્રમ્પના વિજય પછી બિટકોઇનમાં વિક્રમી ઉછાળો : પ્રથમ વખત 1 લાખ ડોલરને પાર

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પના વિજય પછી બિટકોઇનમાં વિક્રમી ઉછાળો : પ્રથમ વખત 1 લાખ ડોલરને પાર 1 - image


- બિટકોઇનનું માર્કેટ કેપ વધીને બે લાખ ટ્રિલિયન ડોલરને પાર

- રશિયન પ્રમુખ પુતીને પણ ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં નિવેદન આપતા બિટકોઇનમાં આકર્ષણ વધ્યું

- ટ્રમ્પેે ક્રિપ્ટો માર્કેેટસની તરફેણમાં માનસિકતા ધરાવતા પૌલ એટકિન્સની પસંદગી કરતા બિટકોઈન સહિતની ક્રિપ્ટોસને ટેકો મળ્યો

મુંબઈ : મુખ્ય ક્રિપ્ટો કરન્સી બિટકોઈને ગુરુવારે છેવટે  ૧,૦૦,૦૦૦ ડોલરની સપાટી પાર કરી હતી. અમેરિકાના નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના નવા ચેરમેન તરીકે ક્રિપ્ટો તરફી પૌલ એટકિન્સની પસંદગી કરતા અને રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુટીને બિટકોઈન તથા અન્ય વર્ચ્યુલ કરન્સીસ પર કોઈપણ પ્રતિબંધ મૂકી નહીં શકે તેવા કરેલા નિવેદનને પગલે બિટકોઈનમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. 

છેલ્લા ચોવીસ કલાકમાં આવેલી રેલી સાથે બિટકોઈનની વૈશ્વિક માર્કેટ કેપ પણ વધી બે ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ, બિનાન્સ, એકસઆરપીમાં પણ સુધારો જોવાયો હતો. મોડી સાંજે બિટકોઈ ૧,૦૨,૮૦૪ ડોલર કવોટ કરાતો હતો. 

એસઈસીના નિવૃત્ત થઈ રહેલા હાલના અધ્યક્ષ ગેરી જેન્સલરના સ્થાને ટ્રમ્પેે ક્રિપ્ટો માર્કેેટસની તરફેણમાં માનસિકતા ધરાવતા પૌલ એટકિન્સ પર પસંદગી ઢોળી હતી જેને પગલે બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોસને આવશ્યક ટેકો મળ્યો હતો. 

બીજી બાજુ રશિયાના પ્રમુખ પુનીને પણ ક્રિપ્ટોકરન્સીસને ટેકો આપતા બજારને જરૂરી ટ્રીગર મળ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનમાં સંસ્થાકીય રોકાણકારોની જંગી ખરીદી જોવા મળી  હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 

વર્તમાન વર્ષમાં બિટકોઈનના ભાવમાં ૧૩૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ બિટકોઈનમાં પચાસ ટકા  ઉછાળો આવ્યો છે. માત્ર ૧૫ વર્ષના ગાળામાં બિટકોઈને  પ્રથમ વખત બે ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ હાંસલ કરી છે.  

ક્રિપ્ટો માર્કેટમાં ગુરુવારની રેલીને પગલે ક્રિપ્ટો કરન્સીસની એકંદર માર્કેટ કેપ વધી ૩.૮૦ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. 

વર્તમાન વર્ષના જાન્યુઆરીથી  લોન્ચ  થયેલા સ્પોટ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં ૩૨ અબજ ડોલરનો નેટ ઈન્ફલોસ જોવાયો છે અને આ નાણાંનું રોકાણ પણ બિટકોઈન તરફ વળતા ભાવને ટેકો મળ્યો હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.

અમેરિકાના નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીસ માટે સાનુકૂળ નીતિ લાવશે તેવી ધારણાંએ છેલ્લા એક મહિનામાં ક્રિપ્ટોકરન્સીસમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.

બિટકોઇનની વધતી લેવડદેવડ પર્યાવરણ માટે નુકસાનકારક

પર્યાવરણવિદો અને વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર બિટકોઇનના લેવડદેવડની સમગ્ર સિસ્ટમ ચલાવવા માટે મોટા પાયે વીજળીનો ઉપયોગ થાય છે.આ વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસા, કુદરતી ગેસ અને હાઇડ્રોપાવરની જરૂર પડે છે. કોલસાના દહનથી પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.  ડિજિટલ કરન્સી બિટકોઇનને કારણે પર્યાવરણીય અને જળવાયુ પર પડતું ભીરે દબાણ તેના ઉર્જા ઉપયોગને કારણે આવે છે.

બિટકોઇનના ભાવમાં ભારે વધ-ઘટ થતી હોવાથી રોકાણ ખૂબ જ જોખમી 

ઇતિહાસ દર્શાવે છે કે ક્રિપ્ટો કરન્સીના ભાવમાં જેટલી ઝડપથી વધારો થાય છે તેટલી ઝડપથી ઘટાડો પણ જોવા મળે છે. કોવિડ-૧૯ની શરૂઆતમાં એક બિટકોઇનનો ભાવ માત્ર ૫૦૦૦ ડોલર હતું. જો કે નવેમ્બર, ૨૦૨૧ સુધીમાં તેનો ભાવ વધીને ૬૯,૦૦૦ ડોલર થઇ ગયો હતો. જો કે ત્યારબાદ ફેડરેલ રિઝર્વે વ્યાજ દર વધારતા વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં તે ઘટીને ૧૭૦૦૦ ડોલર થઇ ગયો હતો. જો કે ત્યારબાદ ફુગાવામાં ઘટાડો થતાં રોકાણકારો ફરી એક વખત બિટકોઇનની તરફ વળ્યા હતાં. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જોખમ સહન કરવાની શક્તિ અનુસાર બિટકોઇનમાં રોકાણ કરવું જોઇએ. અમેરિકામાં ચૂંટણીના દિવસ પાંચ નવેમ્બર, ૨૦૨૪ના રોજ બિટકોઇનનો ભાવ ૬૯,૩૭૪ ડોલર હતો. જે વધીને ચાર ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૧,૦૩,૭૧૩ ડોલર થઇ ગયો હતો. 


Google NewsGoogle News