અમેરિકાની બેન્કોની સમસ્યાઓથી બોધપાઠ લઈ RBIનો મોટો નિર્ણય! લાવશે આ નવો નિયમ
Digital Account: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ બેન્કોમાં રોકડ જમાનું પ્રમાણ ઘટ્યું હોવાનું તેમજ શેરબજારમાં નાણાંનો પ્રવાહ વધ્યો હોવા અંગે ચેતવણી આપી હતી. શેરબજારમાં રોકાણમાં ઝડપી વધારાને કારણે બેન્કોમાં જમા નાણાં પર અસર થઈ રહી છે. એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે રોકાણકારો બેન્કોમાંથી એફડી પણ ઉપાડી શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. જેના લીધે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો ન થયો હોવા છતાં બેન્કો ગ્રાહકોને આકર્ષવા વ્યાજદરોમાં વધારો કરી રહી છે.
ડિજિટલ એકાઉન્ટમાં નાણાંને હોટ મની દર્શાવાઈ
આરબીઆઈએ ડિજિટલ એકાઉન્ટમાં જમા રકમને હોટ મની દર્શાવી છે. જેનો અર્થ એ છે કે, આ નાણાં ઝડપથી ઉપાડી શકાય છે, જેનાથી બેન્કમાં જોખમ રહે છે. આરબીઆઈએ સિલિકોન વેલી બેન્કની સમસ્યા જેવી સ્થિતિ ન સર્જાય તે હેતુ સાથે ગતવર્ષે આ નિર્ણય લીધો હતો. 2008માં સિલિકોન વેલી બેન્કોની સ્થિતિ 2008માં કથળી હોવાના અહેવાલો મળતાં જ લોકોએ થોડા કલાકોમાં જ પોતાના નાણાં ઉપાડી દીધા હતા.
એકાઉન્ટમાં જમા રકમ પર રન-ઓફ ફેક્ટર લાગુ કરાશે
આરબીઆઈના નવા નિયમો અનુસાર બેન્કોએ આવા રિટેલ સેવિંગ્સ એકાઉન્ટને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવા પડશે, જેમાંથી નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા સરળતાથી પૈસા ઉપાડી શકાય છે. આનો અર્થ એ થયો કે ઈન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ સેવાઓનો લાભ લેતા સ્થિર રિટેલ ડિપોઝિટ ખાતાઓ પર 10% અને ઓછા સ્થિર ખાતાઓ પર 15% રન-ઓફ ફેક્ટર લાગુ કરી વસૂલવામાં આવશે. રન-ઓફ ફેક્ટર એ જમા કરેલી રકમનો તે ભાગ છે જે કોઈપણ સંકટના કિસ્સામાં પહેલા ઉપાડવાની અપેક્ષા રાખવામાં આવે છે.
ઓગસ્ટમાં 13 દિવસ બેન્કોનું કામકાજ રહેશે બંધ, જુઓ હોલિડે લિસ્ટ, મહત્ત્વના કામ ઝટ-ઝટ પતાવજો
નવો નિયમ આવતા વર્ષે લાગુ કરાશે
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા એલસીઆર નિયમોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે બેન્કો પાસે નાણાકીય કટોકટી દરમિયાન ટૂંકા ગાળાની જવાબદારીઓને પહોંચી વળવા માટે પર્યાપ્ત લિક્વિડ એસેટ્સ જાળવવાનો છે. ઉચ્ચ ગુણવત્તાની લિક્વિડ એસેટ્સમાં બોન્ડ્સ પણ સમાવિષ્ટ છે. જે સરળતાથી અને કોઈપણ ખર્ચ વિના રોકડમાં રૂપાંતરિત થઈ શકે છે. નવા LCR નિયમો 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવશે.
બેન્કિંગ સિસ્ટમમાં મોટાપાયે ફેરફારો
આરબીઆઈ દ્વારા બેન્કોને મોકલવામાં આવેલા સર્ક્યુલર અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં બેન્કિંગમાં ઝડપથી પરિવર્તન આવ્યું છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગથી, તરત જ પૈસા ટ્રાન્સફર અને ઉપાડવાનું સરળ બન્યું છે. પરંતુ આનાથી જોખમો પણ વધ્યા છે, જેને સમયસર નિયંત્રણમાં લેવાની જરૂર છે. ભૂતકાળની કેટલીક ઘટનાઓને ધ્યાનમાં રાખીને બેન્કો માટે એલસીઆર ફ્રેમવર્કની સમીક્ષા કરવામાં આવી છે. નવા નિયમો હેઠળ, નાના વેપારીઓ પાસેથી લેવામાં આવેલી અસુરક્ષિત લોનને પણ રિટેલ ડિપોઝિટની જેમ ગણવામાં આવશે, જેનો અર્થ છે કે તેમના પર પણ નવા રન-ઓફ પરિબળો લાગુ થશે.
મ્યુચ્યુઅલ ફંડ્સ, એસઆઈપીમાં રોકાણ વધ્યું
વધતી જતી મોંઘવારી અને બચત ખાતા પરના સ્થિર વ્યાજ દરોને કારણે મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડસ અને એસઆઈપી તરફ પણ ડાયવર્ટ થયા છે. આ પરિવર્તનને ધ્યાનમાં લેતાં કોટક અને એચડીએફસી બેન્કોએ તેમની શાખાઓનો વિસ્તાર કર્યો અને તેમની સેવા પહેલા કરતા વધુ સારી બનાવી છે. યસ બેન્કે પૈસા જમા કરાવનારા લોકોની સંખ્યામાં વધારો કરવા માટે તેની શાખાની સંખ્યા પણ વધારી છે. બેન્કોનો ઉદ્દેશ્ય ગ્રાહકોના વ્યવહારો અને સેવાઓને પ્રોત્સાહન આપવાનો છે જેથી તેઓ તેમના ડિપોઝિટ બેઝમાં વધારો કરી શકે.