RBI દ્વારા ડિવિડન્ડની લ્હાણી ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક, આર્થિક વૃદ્ધિને વેગ આપશેઃ ગ્લોબલ રેટિંગ એજન્સીઓ
Indian Economy With RBI Dividend: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેન્દ્ર સરકારને રૂ. 2.1 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી છે. જેની મદદથી સરકારની તિજોરીમાં ભંડોળ વધશે અને રાજકોષિય સ્થિતિમાં સુધારો થવાનો અંદાજ છે. ગ્લોબલ રેટિંગ એજન્સીઓએ આરબીઆઈના આ પગલાંને પોઝિટીવ ગણાવ્યો છે.
આરબીઆઈએ આ સપ્તાહની શરૂઆતમાં 2023-24માં નોંધાયેલા નફામાંથી સરકારને રૂ. 2.1 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. જે સરકારના નિર્ધારિત બજેટ રૂ. 1.02 લાખ કરોડ કરતાં બમણુ છે.
ભારતના રેટિંગ ફંડામેન્ટલ્સ માટે પોઝિટિવ
ફિચ રેટિંગ્સ ખાતે એશિયા-પેસિફિક સોવરિન્સના ડિરેક્ટર જેરેમી ઝૂકે જણાવ્યું હતું કે જો ટકાઉ આવક-વધારા મામલે સુધારાઓ દ્વારા ટેકો આપવામાં આવે તો સતત ખાધમાં ઘટાડો કરી શકાય અને ખાસ કરીને, મધ્યમ ગાળામાં ભારતના રેટિંગ ફંડામેન્ટલ્સ માટે સકારાત્મક રહેશે. ડિવિડન્ડનો ઉપયોગ સંગ્રહ કે વધારાના ખર્ચ માટે થાય, પણ સરકારની નાણાકીય પ્રાથમિકતાઓ વિશે સંકેતો આપી શકે છે.
ભારત માટે 'BBB' રેટિંગ
ફિચે ભારતને સ્થિર અંદાજ સાથે 'BBB' રેટિંગ આપ્યું છે. અન્ય રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા અપેક્ષિત કરતાં વધુ ડિવિડન્ડ ટ્રાન્સફરની રાજકોષીય અસર આવનારી સરકાર આ વધારાના સંસાધનો સાથે શું કરવાનું નક્કી કરે છે તેના આધારે નક્કી કરવામાં આવશે. મૂડીઝ રેટિંગ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ક્રિશ્ચિયન ડી. ગુઝમેને જણાવ્યું હતું કે, સરકાર ખર્ચ પર સંયમ રાખી શકે છે અને તેના ખાધના લક્ષ્યાંકને પહોંચી વળવા તરફ આગળ વધવામાં મદદ કરી શકે છે. આનાથી દેવાની આવશ્યકતાઓ ઘટશે અને અન્ય હેતુઓ માટે ઉપયોગ થશે.
સરકાર આ વધારાના નાણાંનો ઉપયોગ નવી નીતિઓ અને પહેલ માટે પણ કરી શકે છે. વૈશ્વિક રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું હતું કે RBI તરફથી વધારાનું ડિવિડન્ડ જીડીપીના લગભગ 0.35 ટકા જેટલું છે. જો તે રાજકોષીય ખાધ ઘટાડવા માટે વિન્ડફોલ ડિવિડન્ડનો ઉપયોગ કરે તો ભારતને સમય જતાં 'રેટિંગ સપોર્ટ' મળી શકે છે.