Get The App

RBIએ સપ્ટેમ્બરમાં 10 અબજ ડોલરની વિદેશી કરન્સી વેચી, ઓગસ્ટ કરતા 144 ટકા વધુ

- વિશ્વભરની મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાને કારણે મોટાભાગના દેશોની કરન્સી પર દબાણ

- રૂપિયાને ટકાવી રાખવા સેન્ટ્રલ બેંક એક્શનમાં

Updated: Nov 19th, 2022


Google NewsGoogle News
RBIએ સપ્ટેમ્બરમાં 10 અબજ ડોલરની વિદેશી કરન્સી વેચી, ઓગસ્ટ કરતા 144 ટકા વધુ 1 - image


અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ ૧૦.૩૬ અબજ ડોલરની ફોરેન કરન્સી વેચી હતી. આ આંકડો ઓગસ્ટમાં આરબીઆઈ દ્વારા વેચવામાં આવેલ ફોરેન કરન્સી કરતા લગભગ બમણો છે. આરબીઆઈએ રૂપિયાના ઘસારાને રોકવા અને ડોલરની સામે ટકાવી રાખવા આ વેચાણ કરવું પડયું હતુ.

સેન્ટ્રલ બેંક દ્વારા ૧૮ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં ઓગસ્ટની સરખામણીમાં ૧૪૪ ટકા વધુ વિદેશી ચલણનું વેચાણ કર્યું છે. ઓગસ્ટમાં આરબીઆઈ દ્વારા વિદેશી ચલણનું વેચાણ ઘટતા અપેક્ષા હતી કે તેઓ કરન્સી માર્કેટમાં હસ્તક્ષેપ ઘટાડશે. જુલાઈમાં આરબીઆઈએ ૩૮.૭૭ અબજ ડોલરની ફોરેન કરન્સી વેચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯ જુલાઈએ ભારતીય રૂપિયાનું મૂલ્ય પ્રથમ વખત ૮૦ની સપાટીને પાર કરી ગયું હતું.

છેલ્લા એક વર્ષમાં આરબીઆઈના વિદેશી મદ્રા ભંડારમાં તીવ્ર ઘટાડો થયો છે. નવેમ્બર ૧૧ સુધીમાં ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૫૪૪.૭૨ અબજ ડોલર થયું છે, જે ગત વર્ષના સમાન સમય કરતાં ૯૫ અબજ ડોલર ઓછું છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવમાં તીવ્ર વધારો અને ફુગાવાને કાબૂમાં લેવા માટે વિશ્વભરની મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાને કારણે મોટાભાગના દેશોની કરન્સી પર દબાણ આવ્યું છે.

સપ્ટેમ્બરમાં આરબીઆઈનું ગ્રોસ કરન્સી વેચાણ ૩૩.૬૩ અબજ ડોલર હતું, જે ઓગસ્ટના વેચાણ કરતા ૪૫ ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન વિદેશી ચલણની ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો અને તે ૨૩ ટકા વધીને ૨૩.૨૭ અબજ ડોલર થયું છે. 

જોકે આરબીઆઈના પ્રયાસો છતાં સપ્ટેમ્બરમાં યુએસ ડોલર સામે રૂપિયો ૨.૪ ટકા ઘટયો હતો. ઓક્ટોબરમાં રૂપિયામાં વધારે અવમૂલ્યન જોવા મળ્યું છે અને ૧૯ ઓક્ટોબરે ૮૩ રૂપિયા પ્રતિ ડોલરના આંકને વટાવ્યું હતુ.


Google NewsGoogle News