6 ડિસેમ્બરથી RBI MPCની બેઠક થશે શરૂ, SBI રિપોર્ટે કહ્યું- જૂન 2024 પહેલા રેપો રેટમાં ફેરફારની શક્યતા નહીં
Image Source: Twitter
- SBIના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષે આ રિપોર્ટ તૈયાર કર્યો છે
નવી દિલ્હી, તા. 05 ડિસેમ્બર 2023, મંગળવાર
RBI MPC Meeting: ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠક 6 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 8 ડિસેમ્બર 2023ના રોજ RBI ગવર્નર શક્તિકાંત દાસ MPCની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરશે જેમાં દરેકની નજર હશે કે રેપો રેટ અંગે RBI ગવર્નર શું નિર્ણય લે છે. ત્યારે આ વચ્ચે જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે RBI 2024-25ના બીજા ક્વાર્ટર પહેલા પોતાના બેન્ચમાર્ક રેપો રેટમાં કોઈ ઘટાડો નહીં કરશે જે હાલમાં 6.5% પર છે.
SBIના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષે આ રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 8 ડિસેમ્બર 2023ના રોજ RBI રેપો રેટમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 6.50% પર રેપો રેટ સ્થિર બની રહેશે અને જૂન 2024 પહેલા તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2023-24માં મોંઘવારી દર 5%થી નીચે આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આવી સ્થિતિમાં RBI પોતાના સ્ટેન્ડમાં કોઈ ફેરફાર નહીં કરશે.
મે 2022 બાદ 6 MPC બેઠકોમાં RBIએ રિટેલ ફુગાવાના દરમાં ઉછાળા બાદ પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં વધારો કરી દીધો. રેપો રેટ 4% વધારીને 6.50% કરી દેવામાં આવ્યો છે. જેના કારણે હોમ લોન સહિત દરેક પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. તો બીજી તરફ જૂના ગ્રાહકોની EMI મોંઘી થઈ ગઈ છે.
નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં ચાર MPC બેઠકોમાં પોલિસી રેટ્સમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. બીજી તરફ ખાદ્યપદાર્થો અને ગેસના ભાવમાં ઘટાડાને કારણે ઓક્ટોબર 2023માં કન્ઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેક્સ ઘટીને 4.87% પર આવી ગયો છે જે જુલાઈમાં 15 મહિનાના હાઈ 7.44% પર પહોંચ્યો હતો. RBIએ 2023-24માં 5.4% રિટેલ ફુગાવો રહેવાનું અનુમાન છે. જેમાં ત્રીજા ક્વાર્ટરમાં 5.6% અને ચોથા ક્વાર્ટર જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 5.2% રહેવાનું અનુમાન છે.