હવે બેંકો UPIથી પણ લોન આપશે, RBIની જાહેરાત; જાણો કઈ રીતે કરી શકાશે ઉપયોગ
RBI UPI Credit Line Limit: આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ જાળવી રાખવાની સાથે કેશ રિઝર્વ રેશિયોમાં 0.50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત યુપીઆઈ પેમેન્ટની દિશામાં પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત લોકો હવે યુપીઆઈ મારફતે પણ સરળતાથી અને ઝડપી લોન લઈ શકશે.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આરબીઆઈએ યુપીઆઈ ક્રેડિટ લાઈન માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે સ્મોલ ફાઈનાન્સ બેન્કોને પણ યુપીઆઈ ક્રેડિટ લાઈન મારફત લોન આપવાની મંજૂરી અપાઈ છે. જેનાથી નાના વેપારીઓ સહિત ઘણાં લોકોને સરળતાથી લોન મળી શકશે.
શું છે યુપીઆઈ ક્રેડિટ લાઈન
યુપીઆઈ ક્રેડિટ લાઈનની શરૂઆત ડિસેમ્બર, 2023માં થઈ હતી. સામાન્ય લોકો સુધી લોન પહોંચાડવાના ઉદ્દેશ સાથે તૈયાર કરાયેલી ફાઈનાન્શિયલ પ્રોડક્ટ છે. જે અંતર્ગત બેન્ક ગ્રાહકને પ્રિ-અપ્રુવ્ડ ક્રેડિટ લાઈન હેઠળ લોન આપે છે. આ લોન યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફતે અપાય છે. પ્રિ-અપ્રૂવ્ડ લિમિટનો આધાર ગ્રાહકના એકાઉન્ટ લિમિટ સાથે જોડાયેલો છે. ગ્રાહકે તેના પર વ્યાજ ચૂકવવાનું રહેશે, જેની ગણતરી બિલિંગ સાયકલના અંતે થશે.
આ પણ વાંચોઃ RBIએ રેપો રેટ 6.50% પર યથાવત્ રાખ્યો, મોનેટરી પોલિસીની બેઠકમાં 4:2ના બહુમતથી નિર્ણય
આ રીતે કરી શકાશે ઉપયોગ
યુઝરના યુપીઆઈ મારફત થતાં ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ સ્કોરના આધારે લોનની રકમ નક્કી કરવામાં આવે છે. આ સેવામાં યુઝર યુપીઆઈ પિન મારફત પેમેન્ટ કરી શકે છે. જેની રકમ બાદમાં યુપીઆઈ મારફત જ જમા કરાવવાની રહેશે. તે એક ડિજિટલ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરે છે. જેમાં ફિઝિકલ ક્રેડિટ કાર્ડની જેમ રકમ નિર્ધારિત હોય છે. બેન્કમાંથી મંજૂરી મળ્યા બાદ ગ્રાહકો બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હશે, તો પણ ક્રેડિટ કાર્ડની જેમ યુપીઆઈ પેમેન્ટ કરી કરશે.
આ રીતે લિંક કરાવો
- ગૂગલ પ્લે સ્ટોર પરથી યુપીઆઈ એપ ડાઉનલોડ કરો
- રજિસ્ટ્રેશન કર્યા બાદ ક્રેડિટ લાઈન વિકલ્પ પસંદ કરો
- બેન્કમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખતાં સ્ક્રિન પર ક્રેડિટ લાઈન દેખાશે
- ક્રેડિટ લાઈન એકાઉન્ટ પસંદ કરી લિંક કરાવો અને કન્ફર્મ કરો.
- યુપીઆઈ લાઈટ વોલેટ મર્યાદા પણ વધારી હતી
અગાઉ ચાર ડિસેમ્બરે આરબીઆઈએ યુપીઆઈ લાઈટ વોલેટ મર્યાદા પણ વધારી રૂ. 5000 અને પ્રિ-ટ્રાન્ઝેક્શન લિમિટ રૂ. 1000 કરી હતી.