EMI વધશે કે ઘટશે, જાણો શું કહે છે નિષ્ણાતો? ત્રણ એપ્રિલથી શરૂ થનારી RBIની MPCની બેઠકમાં લેવાશે નિર્ણય
RBI Monetary Policy Meeting : આર્થિક દૃષ્ટિએ નવું સપ્તાહ ખૂબ જ મહત્વનું છે. કારણ કે આ દરમિયાન ભારતીય રિઝર્વ બેંક (RBI)ની અધ્યક્ષતામાં મોનિટરિંગ પોલિસી (MPC)ની બેઠક યોજાવાની છે, જેમાં સમાન માસિક હપ્તા (EMI) અંગે નિર્ણય લેવાશે. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલે રેપો રેટમાં કપાત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તો બીજીતરફ નિષ્ણાતોએ રેપો રેટ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
મોંઘવારી દર ચાર ટકા લાવવાનો પ્રયાસ
વાસ્તવમાં આર્થિક વૃદ્ધિની ચિંતામાં ઘટાડો થયો છે. વૈશ્વિક રેટિંગ એજન્સિઓએ આર્થિક વૃદ્ધિ આઠ ટકાની આસપાસ રહેવાનું અનુમાન લગાવ્યું છે. હાલ મોંઘવારી પાંચ ટકાની આસપાસ છે, ત્યારે આ તમામ બાબતો વચ્ચે RBI મોંઘવારી દર ચાર ટકાના લક્ષ્ય પર લાવવાનો પ્રયાસ કરી શકે છે.
શું RBI અન્ય કેન્દ્રીય બેંકોના પગલે ચાલશે?
થોડા સમય પહેલા જ અમેરિકા (America) અને જાપાન (Japan) જેવા વિકાસશીલ દેશોની કેન્દ્રીય બેંકોએ પોલિસી રેટની સમીક્ષા કરી હતી, જોકે તેમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જ્યારે વિશ્વની સૌથી મોટા અર્થતંત્ર (Economy) સ્વિત્ઝરલેન્ડે (Switzerland) પોલિસી રેટમાં ઘટાડો કર્યો હતો. જ્યારે વિશ્વના ચોથા અર્થતંત્ર જાપાને આઠ વર્ષ બાદ નેગેટિવ વ્યાજ દરો સમાપ્ત કરીને સાંકેતિક ઐતિહાસિક ફેરફાર કર્યા છે.
ક્યારે યોજાશે મોનિટરી પોલિસી કમિટીની બેઠક?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની અધ્યક્ષતામાં મોનિટરી પોલિસી કમિટીની ત્રણ દિવસી બેઠક ત્રણ એપ્રિલથી શરૂ થશે. ત્યાર બાદ પાંચમી એપ્રિલે નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત થશે. એપ્રિલ 2022માં છૂટક ફુગાવોનો દર 7.80 ટકા નોંધાયા બાદ આરબીઆઈએ રેપો રેટ વધારવાનો સિલસિલો શરૂ કર્યો હતો અને આગામી છ તબક્કામાં રેપો રેટ ચાર ટકાથી વધારી 6.5 ટકા કરી દીધો. જોકે એપ્રિલ-2023 બાદ મોનિટરિંગ પોલિસીની છ બેઠક યોજાઈ, પરંતુ તેમાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી. જાન્યુઆરી 2024માં છૂટક ફુગાવાના દરનો ડેટા જાહેર કરાયો, જેમાં મોંઘવારી દર ઘટીને 5.10 ટકા નોંધાયો છે. આરબીઆઈની આગામી એમપીસીની બેઠક ત્રીજી એપ્રિલે યોજાશે.
RBI પોલિસી રેટ યથાવત્ રાખે તેવી સંભાવના
બેંક ઓફ વડોદરાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે કહ્યું કે, ‘મોંઘવારી દર હજુ પાંચ ટકાના દાયરામાં છે. ખાદ્ય ફુગાવાના કારણે આગામી સમયમાં ઝટકો લાગી શકે છે, તેથી કેન્દ્રીય બેંક આ વખતે પણ પોલિસી રેટ યથાવત્ રાખે, તેવી સંભાવના છે.’
ગોયલે રેપો રેટમાં કપાત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
અગાઉ 19 ફેબ્રુઆરીએ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલે (Piyush Goyal) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મોંઘવારી (India Inflation) કાબુમાં આવતા જ આરબીઆઈ પોલિસી રેટ (RBI Policy Rate) એટલે કે રેપો રેટમાં કપાત કરશે. તેમણે કહ્યું હતું કે, ‘દેશનું આર્થિક માળખું મજબૂત છે અને મોંઘવારી કાબુમાં છે. ભારતમાં 10 વર્ષનો સરેરાશ મોંઘવારી દર લગભગ 5થી 5.5 ટકા રહ્યો છે, જે દાયકાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે અને આ જ કારણે વ્યાજ દરમાં પણ ઘણો ઘટાડો થયો છે. કેન્દ્રીય બેંક પણ મજબૂત થઈ છે અને તેમના વ્યાજ દર ઘટાડવાની ક્ષમતા છે. એ હકીકત છે કે, છેલ્લા દોઢ વર્ષમાં યૂક્રેન સંકટ બાદ વ્યાજ દરમાં 2.50 ટકાનો વધારો થયો છે, પરંતુ હવે મોંઘવારી દર ઘણો નિયંત્રણમાં છે. વ્યાજ દરની સ્થિતિ પલટાશે અને ટુંક સમયમાં તેમાં ઘટાડો જોવા મળશે. ભલે વ્યાજ દરમાં આ ઘટાડો આગામી નાણાકીય નીતિ બેઠકમાં અથવા તે પછીની નીતિ બેઠકમાં થાય.’