આરબીઆઈએ સતત આઠમી વખત રેપો રેટ જાળવી રાખ્યો, ચૂંટણી પરિણામો બાદ પણ કોઈ રાહત નહીં
RBI Keeps Rapo Rates: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસીએ તેની ત્રિદિવસીય બેઠકના અંતે રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખવા નિર્ણય લીધો છે. આરબીઆઈએ એમપીસી બેઠકમાં ઈંધણના ઘટતાં ભાવોની નોંધ લીધી હોવા છતાં રેપો રેટ હાલપૂરતા જાળવી રાખવા કમિટીના 4 સભ્યોએ સમર્થન આપ્યું છે. કારણકે, વૈશ્વિક સ્તરે ક્રાઈસિસનું જોખમ જારી છે. જેથી કોઈ નવા પડકારોનો સામનો કરવા માટે રેપો રેટ જાળવી રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.
2024-25નો જીડીપી ગ્રોથ અંદાજ 0.2 ટકા વધાર્યો
રિઝર્વ બેન્કે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 (FY25) માટે તેનો રિઅલ GDP ગ્રોથ અંદાજ અગાઉના 7 ટકાના સ્તરથી વધારી 7.2 ટકા કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24 (FY24)માં વિશ્લેષકો દ્વારા જીડીપી ગ્રોથ અંદાજ વધી 8.2 ટકા થયો હોવાના પગલે આ વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ તેની ત્રિદિવસીય મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક 5 જૂનના રોજ શરૂ કરી હતી. અગાઉ આરબીઆઈએ ફેબ્રુઆરી 2023માં રેપોરેટમાં વધારો કર્યો હતો. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, આ નાણાકીય વર્ષમાં જો જીડીપી ગ્રોથ 7.2 ટકા નોંધાય તો સતત ચોથા વર્ષે દેશનો જીડીપી ગ્રોથ 7 ટકાથી વધુ નોંધાશે.
આ વર્ષે રિટેલ ફુગાવો 4.5 ટકા રહેવાનો અંદાજ
આરબીઆઈ વર્તમાન ફુગાવાના આંકડાઓના આધારે નાણાકીય વર્ષ 2024-25માં રિટેલ ફુગાવો 4.5 ટકા રહેવાનો અંદાજ છે. રિટેલ ફુગાવો એપ્રિલમાં માર્ચના 4.85 ટકા સામે ઘટી 4.83 ટકા નોંધાયો હોવા છતાં એમપીસીના ટાર્ગેટ કરતાં વધુ રહેતાં આરબીઆઈએ હજી વેઈટ એન્ડ વોચ સાથે રેપો રેટ જાળવી રાખ્યો છે.
MPC એ FY25ના 4 ત્રિમાસિક ગાળાઓમાંથી દરેક માટે તેના GDP વૃદ્ધિના અંદાજો પણ વધાર્યા હતા. FY25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે, RBI હવે અગાઉના 7.2 ટકાથી 7.3 ટકા, Q2FY25માં 7.2 ટકા (અગાઉ 6.8 ટકા) અંદાજ આપ્યો છે. Q3 માટે, જીડીપી ગ્રોથ અંદાજ અગાઉના 7 ટકાથી વધારી 7.3 ટકા અને ચોથા ક્વાર્ટર માટે જીડીપીનું અનુમાન 6.9 ટકાથી વધારીને 7.2 ટકા કર્યું છે.