Paytmને લાગશે મોટો ઝટકો, RBI બેંકિંગ લાયસન્સ રદ કરી શકે, જાણો પછી ગ્રાહકોના પૈસાનું શું થશે?
અગાઉ પણ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકને અનેક વખત ચેતવણી આપી હતી
RBI May Cancel Operating Licence of Paytm Payments Bank : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેટીએમને બેંકિંગ સેવાઓ આપવાનું બંધ કરી દીધું છે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક (Paytm Payments Bank) પણ આવતા મહિનાની શરૂઆતમાં તેનું ઓપરેટિંગ લાઇસન્સ ગુમાવી શકે છે. એટલે કે પેટીએમ બેંકિંગ સેવા (Paytm Banking Service)નું સંચાલન કરી શકશે નહીં.
આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને આદેશ આપ્યો હતો
બુધવારે આરબીઆઈએ પેટીએમની પેરેન્ટ કંપનીમાં 49 ટકા હિસ્સો ધરાવતી પેટીએમ પેમેન્ટ્સ બેંકને નિયમોનું પાલન ન કરવા બદલ મોબાઈલ વોલેટ બિઝનેસ સાથે અન્ય પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આરબીઆઈએ આદેશ આપ્યો છે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે સંબંધિત પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવશે. આરબીઆઈએ વધુમાં કહ્યું કે ગ્રાહકોએ પેટીએમ વોલેટ અને પેમેન્ટ્સ બેંક ખાતામાં પૈસા જમા ન કરવા જોઈએ. જો કે, ગ્રાહકો જમા કરેલી રકમ ઉપાડી શકે છે. બુધવારે આ સમાચાર આવતાની સાથે જ પેટીએમના શેરમાં ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે રેકોર્ડ 20-20 ટકાનો ઘટાડો થયો હતો.
બેંકિંગ લાઇસન્સ રદ થઈ શકે છે
બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેંક 29 ફેબ્રુઆરીની અંતિમ તારીખ પછી બેંકિંગ લાઇસન્સ રદ કરી શકે છે. એટલે કે તમે તમારા પેટીએમ પેમેન્ટ્સ બેંક (Paytm Payments Bank) ખાતામાં કોઈપણ નવી રકમ જમા કરાવી શકશો નહીં. તેમજ વોલેટમાં પણ પૈસા જમા કરાવી શકાતા નથી. જો કે, તમારા પૈસા પહેલાથી જ તેમાં ડિપોઝિટ હોય તો તેને ઉપાડી શકાય છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને RBIનો નિર્ણય પેટીએમની રજૂઆતના આધારે બદલાઈ શકે છે.
પેટીએમને મોટું નુકસાન થયું
પેટીએમ એ 2021ના અંતમાં તેનો IPO લોન્ચ કર્યો હતો, પરંતુ ત્યારથી તેનો સ્ટોક 70 ટકાથી વધુ ઘટી ગયો છે. તેમાં પણ, છેલ્લા બે દિવસમાં પેટીએમના શેરમાં 40 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ કારણે તેની માર્કેટ કેપમાં 2 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ પેટીએમના નિયમોનું પાલન ન કરવાના કારણે આ કાર્યવાહી કરી છે. અગાઉ પણ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકને અનેક વખત ચેતવણી આપી હતી. બેંક લાંબા સમયથી યોગ્ય ગ્રાહક માહિતી દસ્તાવેજો વગર જ ગ્રાહકોને ઉમેરી રહી હતી. આ ઉપરાંત રૂપિયાની લેવડદેવડ પણ મર્યાદા કરતા વધુ થઈ રહી હતી.