Paytm પેમેન્ટ્સ બેંકની ઘણી સુવિધાઓ બંધ, જો તમારા ખાતામાં પૈસા છે તો આ રીતે બચો નુકસાનથી
નવી દિલ્હી,તા. 1 ફેબ્રુઆરી 2024, ગુરુવાર
ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવતી દિગ્ગજ કંપની પેટીએમને ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટો ઝટકો મળ્યો છે. બુધવારે ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની પર નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હવે PPBLની સાથે કોઈ નવા ગ્રાહક નહીં જોડાઈ શકે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ કરવામાં આવી રહ્યો છે.
ડિપોઝિટ-ટોપઅપ સ્વીકારવામાં નહીં આવે
Paytm Payment Bankમાં નવા કસ્ટમર જોવા પર પ્રતિબંધ લગાવવાની સાથે, આરબીઆઈએ અન્ય એક આદેશ જાહેર કર્યો છે કે ,પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી 2024 બાદ કોઈ પણ ગ્રાહક એકાઉન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝિટ/ટોપ-અપ સ્વીકાર નહીં કરવામાં આવે. તો જાણીએ ગ્રાહકો પર તેની શું અસર થશે?
જૂના યુઝર્સને 29 ફેબ્રુઆરી સુધી રાહત
આરબીઆઈના આદેશ પ્રમાણે, હવે પેટીએમની જગ્યાએ પેટીએમ પેમેન્ટ્સ બેંક નવા ગ્રાહકો ઉમેરી શકશે નહીં. જો કે આ સંદર્ભમાં આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન ગ્રાહકો 29 ફેબ્રુઆરી સુધી પહેલાની જેમ તેમના ખાતાનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકે છે. એટલે કે, જો તમે પેટીએમ દ્વારા કોઈપણ સુવિધાનો લાભ લીધો હોય. ફાસ્ટેગ, કોમન મોબિલિટી કાર્ડ અથવા પોસ્ટપેડ લોનની જેમ તમે તે સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
પરંતુ ત્યાર પછી પેટીએમ દ્વારા કોઈપણ સુવિધાનો આગળ ઉપયોગ કરી શકાશે નહીં. એટલે કે 29 ફેબ્રુઆરી પછી, તમે ન તો ફાસ્ટેગ, કોમન મોબિલિટી કાર્ડ રિચાર્જ કરી શકશો અને ન તો તમારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરી શકશો. તેથી જો તમે આ સુવિધાઓનો લાભ લઈ રહ્યા છો, તો 29 ફેબ્રુઆરી સુધી તેનો ઉપયોગ કરી લો.
આરબીઆઈએ શું કહ્યું?
આ અંગે ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને કમ્પ્લીશન વેલિડેશન રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, પેટીએમ પાલન ધોરણોની સતત અવગણના કરી રહ્યું છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે, પેટીએમ પેમેન્ટ બેંકમાં ઘણી વધુ ખામીઓ સામે આવી છે, જેના કારણે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.