આરબીઆઈના ગવર્નર તરીકે શક્તિકાંત દાસનો કાર્યકાળ આજે સમાપ્ત, ભાવુક પોસ્ટ લખી માન્યો આભાર
RBI Governor Shaktikanta Das: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે. આવતીકાલથી મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા આરબીઆઈના ગવર્નર તરીકે કાર્યભાર સંભાળશે. આજના અંતિમ દિવસે શક્તિકાંત દાસે સોશિયલ મીડિયા પર સરકાર, સ્ટેક હોલ્ડર્સ અને પોતાના સહયોગીઓનો આભાર માનતાં ભાવુક પોસ્ટ કરી હતી.
વડાપ્રધાનનો આભાર માન્યો
સોશિયલ મીડિયા પોસ્ટ પર દાસે આરબીઆઈના ગવર્નર તરીકેની ભૂમિકા સોંપવા બદલ અને કાર્યકાળ દરમિયાન માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. દાસે લખ્યું હતું કે, આરબીઆઈના ગવર્નર તરીકે દેશની સેવા કરવાની તક આપવા અને તેમના માર્ગદર્શન-પ્રોત્સાહન બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર, તેમની વિચારસરણીનો મને ખૂબ લાભ થયો.
નિર્મલા સીતારમણને આ કહ્યું
નિર્મલા સીતારમણનો પણ આભાર માનતાં તેમના વિશે લખ્યું હતું કે, માનનીય નાણા મંત્રી નિર્મલા સીતારમણનો સતત સમર્થન આપવા બદલ આભાર, છેલ્લા છ વર્ષમાં તેમણે અમને અનેક પડકારોનો સામનો કરવામાં મદદ કરી છે. છેલ્લા છ વર્ષમાં રાજકોષિય-મોનેટરી પોલિસી વચ્ચે સંતુલન જળવાઈ રહ્યું છે.
તમામનો આભાર માન્યો
દાસે નાણાકીય, કૃષિ, સહકારી અને સેવા ઉદ્યોગો સહિત વિવિધ ક્ષેત્રોના સ્ટેકહોલ્ડર્સ પાસેથી મળેલા ઈનપુટ્સ અને સૂચનોને સ્વીકાર્યા હતાં. તેમણે પોલિસી ઘડવામાં મૂલ્યવાન યોગદાન બદલ નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ સંસ્થાઓની પ્રશંસા કરી. દાસે તેમના સંદેશમાં પડકારોનો સામનો કરવા માટે આરબીઆઈ ટીમની પ્રશંસા કરી હતી. દાસે ચિહ્નિત પડકારરૂપ વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે અભૂતપૂર્વ કામગીરી કરવાના સામૂહિક પ્રયાસો માટે RBI ટીમની પણ પ્રશંસા કરી હતી.
સરકારે હાલમાં નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે ફરજ બજાવતા સંજય મલ્હોત્રાને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. સોમવારે જારી કરાયેલા ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગની સત્તાવાર સૂચના અનુસાર, આ નિમણૂક 11 ડિસેમ્બર, 2024થી પ્રભાવી છે અને ત્રણ વર્ષ સુધી માન્ય ગણાશે.