Forex Reserves : વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઉછાળો, 9 બિલિયન ડોલર વધીને 616 બિલિયન ડોલર પર પહોંચ્યું રિઝર્વ
સતત પાંચમાં અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો જોવા મળ્યો
ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર 645 બિલિયન ડોલરના લેવલ સુધી પહોંચ્યો હતો
India Forex Reserves Increases : વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઉછાળો આવ્યો છે. RBIના ડેટા અનુસાર, 15 ડિસેમ્બરે પૂર્ણ થયેલા વિદેશી રોકાણમાં ઉછાળાને લઈને વિદેશી મુદ્રા ભંડાર 9.11 બિલિયન ડૉલર વધીને 615.97 બિલિયન ડોલર થઈ ગયો છે, જે પહેલા અઠવાડિયામાં 606.85 બિલિયન ડોલર હતો. આ સતત પાંચમું અઠવાડિયું છે જ્યારે વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો જોવા મળ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવાર 22 ડિસેમ્બર, 2023ના રોજ વિદેશી મુદ્રા ભંડારના ડેટા જાહેર કર્યા છે. ડેટા અનુસાર, 15 ડિસેમ્બરને પૂર્ણ થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 9.11 બિલિયન ડોલરના વધારા સાથે 615.97 બિલિયન ડોલર રહ્યો છે. આ દરમિયાન વિદેશી કરન્સી એસેટ્સમાં પણ ઉછાળો આવ્યો છે અને આ 8.34 બિલિયન ડૉલર વધીને 545.04 બિલિયન ડૉલર પર આવી ગયો છે.
RBIના ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો થયો છે. RBIના ગોલ્ડ રિઝર્વ 446 મિલિયન ડોલરના વાધારા સાથે 47.57 બિલિયન ડોલર પર આવી ગયો છે. SDR 135 મિલિયન ડોલર વધીને 18.32 બિલિયન ડોલર અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડમાં જમા રિઝર્વ 181 મિલિયન ડોલરના ઉછાળા સાથે 5.02 બિલિયન ડોલર રહ્યો છે.
વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળાના મોટા કારણોમાં વિદેશી રોકાણમાં આવેલી તેજી સામેલ છે. ફેડ રિઝર્વના વ્યાજ દરો ન વધારવાના નિર્ણય અને વર્ષ 2024માં વ્યાજ દરોમાં કપાતના સંકેતો બાદ દેશમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટમાં વધારો જોવા મળ્યો છે. આ વાતની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે, નવા વર્ષમાં વિદેશી રોકાણમાં હજુ પણ વધારો આવી શકે છે.
ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર 645 બિલિયન ડોલરના લેવલ સુધી પહોંચ્યો હતો જ્યારબાદ મોટો ઘટાડો આવ્યો હતો. હવે વિદેશી મુદ્રા ભંડાર પોતાના જૂના હાઈથી 30 બિલિયન ડોલર દૂર છે. ડૉલર ઈન્ફ્લોમાં આવેલા ઉછાળાને લઈને ડોલરના મુકાબલે કરન્સી માર્કેટમાં રૂપિયો મજબૂત થયો છે. 22 ડિસેમ્બરે એક ડોલરના મુકાબલે રૂપિયો 14 પૈસા મજબૂત થઈને 83.14ના લેવલ પર ક્લોઝ થયો છે.