RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે
RBI Repo Rate: વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે રેપોરેટ 6 ટકા થયો છે. આરબીઆઈએ સળંગ બીજી દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો કર્યો છે. વ્યાજના દરોમાં ઘટાડો થતાં સામાન્ય ગ્રાહકો પર લોનનો બોજો હળવો થશે. તેમજ વપરાશ માગ વધવાની શક્યતા છે. આવો જાણીએ, સામાન્ય માનવી પર તેની શું અસર થશે…
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરતાં સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 5.75 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (MSF) 6.25 ટક રહેશે. એમપીસીએ પોતાનું નીતિગત વલણ પણ તટસ્થથી બદલી ઉદાર કર્યું છે.
30 લાખની લોન પર થશે આટલી બચત
જે લોનધારકે 30 લાખ રૂપિયાની લોન 30 વર્ષના ગાળા માટે લીધી છે. તેમને નવા રેપોરેટ અનુસાર, મહિને રૂ. 17897 ઈએમઆઈ ચૂકવવો પડશે. જે અગાઉ 6.25 ટકાના દરે 18472 રૂપિયા ચૂકવી રહ્યા છે. જેથી વર્ષે રૂ. 5820ની બચત થશે. તેવી જ રીતે રૂ. 15 લાખની લોન પર 6 ટકાના દરે રૂ. 8993 પ્રતિ માસ ઈએમઆઈ ચૂકવવો પડશે. 30 વર્ષના ગાળા માટેની આ લોનમાં હાલ લોનધારકો રૂ. 9236 પ્રતિ માસ ઈએમઆઈ ચૂકવી રહ્યા છે. તેમના ખિસ્સામાં વાર્ષિક રૂ. 2916ની બચત થશે.
1. લોન સસ્તી થશેઃ વ્યાજદર ઘટી 6 ટકા કરાતાં બેન્કો આરબીઆઈ પાસેથી સસ્તા દરે ડિપોઝિટ લઈ શકશે. જેથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર વ્યાજના દરો ઘટશે. લોનધારકો પર ઈએમઆઈનો બોજો હળવો થશે. એમએસએમઈ લોન પણ સસ્તી થશે.
2. RLLR લિંક લોન જ સસ્તી થશેઃ રેપો રેટ RLLR લિંક લોન પર જ લાગૂ થાય છે. જેથી રેપોરેટમાં થતાં ફેરફારોની અસર આ પ્રકારની લોન ધરાવતા લોનધારકોના ઈએમઆઈ પર થાય છે. પરંતુ એમસીએલઆર પર લેવામાં આવેલી હોમ લોન રેપો રેટ સાથે લિંક નથી. જે આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર બેન્ક વ્યાજદરો નક્કી કરે છે. ઘણા કેસોમાં એમસીએલઆર કરતાં રેપો લિંક લોનના વ્યાજદર ઉંચા હોય છે. જેથી લોન લેતી વખતે તમારી લોન કયાં રેટના આધારે છે, તેની જાણકારી મેળવી વ્યાજદરોની સરખામણી કરી શકો છો.
આ પણ વાંચોઃ RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો
3. ખર્ચ અને રોકાણમાં વૃદ્ધિઃ સસ્તી લોનથી વપરાશ માગ વધશે. જેથી ઉત્પાદન અને રોજગારની તકોમાં વધારો થશે. હોમ લોન અને ઓટો લોન સસ્તી થતાં લોકોની ખરીદ શક્તિ વધશે.
4. મોંઘવારીનું પ્રેશર ઘટશેઃ રેપોરેટ ઘટતાં આર્થિક ગતિવિધિઓને વેગ મળશે. જેનાથી ગુડ્સ એન્ડ સર્વિસિઝ સસ્તું થશે. ભાવમાં સ્થિરતા આવશે.
5. બચત અને એફડી પર અસરઃ વ્યાજના દરોમાં ઘટાડો થતાં બચત ખાતા અને એફડી પર રિટર્ન ઘટી શકે છે. જેથી લોકો બેન્કમાં રોકાણના બદલે અન્ય વિકલ્પો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ તરફ ડાયવર્ટ થઈ શકે છે.
6. રૂપિયામાં લિક્વિડિટી વધશેઃ લોન સસ્તી થતાં માર્કેટમાં રોકડની ઉપલબ્ધતા વધશે. જેનાથી આર્થિક વિકાસને વેગ મળશે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો હતો. પરંતુ છેલ્લા ચાર સેશનથી તેમાં ઘટાડો નોંધાયો છે. આજે રેપો રેટમાં ઘટાડા વચ્ચે રૂપિયો ડોલર સામે 30 પૈસા તૂટી 86.56 પર ટ્રેડ થઈ રહ્યો છે.
શું છે રેપોરેટ?
રેપો રેટ એ આરબીઆઈનો વ્યાજદર છે. જેના દર બેન્કો આરબીઆઈ પાસેથી લોન લે છે. આરબીઆઈ મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે રેપોરેટમાં ફેરફાર કરતી હોય છે. રેપો રેટમાં ઘટાડાથી મકાન, વાહન સહિત વિવિધ લોનના ઈએમઆઈનો બોજો હળવો થશે.