સમય પહેલા લોન ચૂકવતા લોકોને ચાર્જમાંથી મળવી જોઈએ મુક્તિ? નવા નિયમો લાવવાની તૈયારીમાં RBI
RBI Rules: જો તમે પણ કોઈ બેન્કમાંથી હોમ લોન અથવા પર્સનલ લોન વગેરે લીધી હોય તો આ જાણકારી તમારા માટે ઉપયોગી છે. રિઝર્વ બેંક (RBI) દ્વારા કેટલીક ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે, જેમાં તેને ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ સાથેની લોન પર ફોરક્લોઝર ફી અને પ્રિપેમેન્ટ દંડ દૂર કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
RBIએ આ અંગે 21 માર્ચ 2025 સુધી સામાન્ય લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો છે. જ્યારે આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, ત્યારે બદલાયેલ નિયમો લોન અથવા એડવાન્સ પર લાગુ કરવામાં આવશે. આ મુજબ ગત પરિપત્રમાં દર્શાવેલ તારીખ પછી ફોરક્લોઝર કરવામાં આવશે. આ નિયમો તમામ બેંકો અને NBFC ને લાગુ પડશે.
ફ્લોટિંગ રેટ લોન શું છે તે જાણો
ફ્લોટિંગ રેટ લોન એ એવી લોન છે જેમાં વ્યાજ દર બદલાતો રહે છે. આ વ્યાજ દર RBIના રેપો રેટ અથવા MCLR જેવા કેટલાક ધોરણો પર બદલાય છે. ફિક્સ્ડ રેટ લોનમાં, વ્યાજ દર લોનના સમગ્ર સમયગાળા દરમિયાન સમાન રહે છે, પરંતુ ફ્લોટિંગ રેટ લોન્સમાં, MPC દરમિયાન RBIના વ્યાજ દરના નિર્ણયો અનુસાર વ્યાજ દર બદલાતો રહે છે. સરળ શબ્દોમાં કહી શકાય કે ફિક્સ રેટ લોનમાં વ્યાજ હંમેશા સરખું જ રહે છે, જ્યારે ફ્લોટિંગ રેટ લોનમાં RBIના નિર્ણયો મુજબ વ્યાજ વધતું અને ઘટતું રહે છે.
નાના ધંધાને આપવામાં આવતી ફ્લોટિંગ રેટ બિઝનેસ લોન પર કોઈ ચાર્જ નહી
ડ્રાફ્ટ મુજબ, જો કોઈ વ્યક્તિ ફ્લોટિંગ રેટ (વ્યાજ દરમાં બદલાવ) સાથે લોન લે છે, તો તેણે સમય પહેલા ચુકવણી અથવા લોન બંધ કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે આ ચાર્જ બિઝનેસ લોન પર લેવામાં આવશે.
આ સિવાય, પર્સનલ અને નાના ધંધા (MSEs)ને આપવામાં આવતી ફ્લોટિંગ રેટ બિઝનેસ લોન પર કોઈ ચાર્જ લાગશે નહીં, પરંતુ કેટલીક સહકારી બેંકો અને NBFCને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિયમો તમામ પ્રકારની ફ્લોટિંગ રેટ લોન પર લાગુ થશે. પછી લોન ક્યાંથી લેવામાં આવી છે, તેમજ પૂરી કે આંશિક ચૂકવવામાં આવી છે કે કેમ તે મહત્ત્વનું નથી.
કોઈપણ પ્રકારની સમય મર્યાદા રહેશે નહીં
અન્ય પ્રકારની લોન પરના ચાર્જિસ બેન્ક કે નાણકીય સંસ્થાની નીતિ મુજબના હશે. બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ સમય પહેલાં લોન ચૂકવવાની સુવિધા પ્રદાન કરશે અને આ માટે કોઈ ન્યૂનતમ સમય મર્યાદા રહેશે નહીં. જો બેન્ક અથવા નાણાકીય સંસ્થા પોતે લોન બંધ કરે છે, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. એવો પણ નિયમ હશે કે બેન્ક દ્વારા લોન લેનારને તમામ ચાર્જની અગાઉથી જાણ કરવામાં આવશે. જો કોઈ ફી માફ કરવામાં આવી હોય અથવા અગાઉ જાહેર કરવામાં આવી ન હોય, તો તે પછીથી વસૂલવામાં આવશે નહીં.