Get The App

વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ડામાડોળ સ્થિતિથી RBI ચિંતિત

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ડામાડોળ સ્થિતિથી RBI ચિંતિત 1 - image


- વિદેશ વેપારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાઓને કારણે જોખમો ઊભા થયા છે

- વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિનામાં દેશનું અર્થતંત્ર રિકવરીના માર્ગે

મુંબઈ : વૈશ્વિક નાણાં બજારોમાં વધી રહેલી અસ્થિરતા પ્રત્યે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ચિંતા વ્યકત કરી છે અને   ઊર્જા ભાવમાં વોલેટિલિટી તથા વિશ્વ વેપારમાં તાજેતરમાં ઊભી થયેલી અનિશ્ચિતતાઓને કારણે જોખમો ઊભા થયા છે. મુખ્ય ફુગાવો સ્થિર છે પરંતુ વૈશ્વિક નાણાંકીય બજારમાં અનિશ્ચિતતા, ઊર્જા ભાવમાં વોલેટિલિટી તથા પ્રતિકૂળ હવામાનને કારણે ફુગાવામાં વધારો થવાનું જોખમ રહેલુ છે.

ફેબુ્રઆરીના બુલેટિનમાં રિઝર્વ બેન્કે ભારપૂર્વક જણાવ્યું છે કે, આ બહારી પરિબળો અનિશ્ચિત નાણાંકીય વાતાવરણ ઊભું કરી રહ્યા છે, ખાસ કરીને ભારત જેવા ઊભરતા અર્થતંત્રો માટે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી રેસિપ્રોકલ ટેરિફસની અસર તથા ઊર્જા ભાવમાં વોલેટિલિટીએ વૈશ્વિક ઈકોનોમિક આઉટલુક માટે જટિલતા ઊભી કરી હોવાનું પણ રિપોર્ટમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. 

નાણાંકીય બજારો ખાસ કરીને અમેરિકાની બજાર ચિંતીત છે. ઈક્વિટીના ભાવમાં તથા બોન્ડ યીલ્ડસમાં મોટી વધઘટ થઈ રહી છે. ચીન દ્વારા જાન્યુઆરીમાં લોન્ચ કરાયેલા ડીપસીકના આર૧ને કારણે એક જ દિવસમાં ઈક્વિટી મૂલ્યાંકનમાં એક ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું હતું.

આ આંચકાને કારણે ઊભરતી બજારોમાંથી મૂડીનો જંગી આઉટફલોસ જોવા મળ્યો હતો અને તેને કારણે તેમના ચલણો પર જોરદાર દબાણ આવ્યું હતું. 

જો કે ભારતના આર્થિક વિકાસ સંદર્ભમાં રિપોર્ટમાં સાવચેતીભર્યો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો છે. જો કે વૈશ્વિક નાણાંકીય બજારોમાં અનિશ્ચિતતા અને પ્રતિકૂળ હવામાન સ્થિતિ ફુગાવામાં વધારો કરાવી શકે છે.  

વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિનામાં દેશનું અર્થતંત્ર રિકવરીના માર્ગે છે અને ફેબુ્રઆરીમાં રેપો રેટમાં કરાયેલા ઘટાડાને કારણે ઘરઆંગણે માગમાં વધારો થવાની શકયતા વધી ગઈ છે એમ રિઝર્વ બેન્કના ફેબુ્રઆરીના બુલેટિનમાં અર્થતંત્રની સ્થિતિ પરના અહેવાલમાં જણઁાવાયું છે. 

ખાધ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે જાન્યુઆરીનો ફુગાવો ઘટી પાંચ મહિનાની નીચી સપાટીએ રહ્યો હોવાની નોંધ કરી રિપોર્ટમાં જણાવાયું છે કે, મબલખ ખરીફ પાક તથા સારી રવી વાવણી તથા શાકભાજીના ભાવમાં ઘટાડા આગળ જતા ખાધ્ય પદાર્થના ફુગાવામાં વધુ ઘટાડા માટે સ્થિતિ  સાનુકૂળ બનાવશે.

મોટાભાગની વૈશ્વિક રેટિંગ એજન્સીઓના અંદાજ પ્રમાણે નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેવાની સ્થિતિમાં છે. 

હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ દર્શાવે છે કે, દેશનું અર્થતંત્ર નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના પાછલા છ મહિનામાં રિકવરીના માર્ગે છે. પ્રથમ છ મહિનામાં અર્થતંત્રએ તેની વિકાસની ગતિ ગુમાવી દીધી હતી. 

કૃષિ ક્ષેત્રની મજબૂત કામગીરીને કારણે ગ્રામ્ય સ્તરેથી માગમાં વધારો અર્થતંત્રને ટેકો પૂરો પાડશે. શહેરી માગ પણ રિકવરીની તૈયારીમાં છે. ફુગાવામાં ઘટાડો ઉપરાંત ઈન્કમ ટેકસમાં રાહતને પરિણામે શહેરી વિસ્તારમાં માગને ટેકો મળી રહેશે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

આગામી નાણાં ંવર્ષના બજેટમાં ંઅર્થતંત્રના વિકાસ માટેના એન્જિનો -કૃષિ, એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ તથા નિકાસને ઈંધણ પૂરુ પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કરાયેલા પા ટકાના ઘટાડાને કારણે ઘરઆંગણે માગમાં વધારો જોવા મળશે. 

દેશના ઋણ સાધનોમાં વિદેશી રોકાણકારોનો પ્રવાહ પોઝિટિવ રહ્યો છે. ગયા વર્ષના ઓકટોબરથી ઋણ સાધનોમાં ૧.૭૦ અબજ ડોલરનો નેટ ઈન્ફલોસ જોવા મળ્યો છે. 


Google NewsGoogle News