ડોલરમાં વોલેટિલિટીને પગલે RBI દ્વારા 57 ટનથી વધુ સોનાની ખરીદી
- માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં રિઝર્વ બેન્ક પાસે કુલ ગોલ્ડ રિઝર્વ ૮૭૯ ટનથી પણ વધુ
- વિશ્વની અનેક બેંકોએ સોનાની ખરીદી કરી
મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ૫૭.૫૦ ટન સોનાની ખરીદી સાથે ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવાનું જાળવી રાખ્યુ હતું. વૈશ્વિક નાણાંકીય અનિશ્ચિતતાને પરિણામે તાજેતરમાં ગોલ્ડના ભાવમાં જોરદાર ઉછાળા પણ આવ્યા છે.
માત્ર આરબીઆઈ જ નહીં પરંતુ વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેન્કો સેફ હેવન તરીકે ગોલ્ડની ખરીદી કરી રહી છે.
ડિસેમ્બર, ૨૦૧૭થી જ્યારથી ગોલ્ડ રિઝર્વ ઊભુ કરવાનું શરૂ કરાયું છે ત્યારથી સમાપ્ત થયેલા નાણાં વર્ષની ખરીદી કોઈ એક નાણાં વર્ષની બીજી મોટી ખરીદી રહી હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. આ અગાઉ નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં રિઝર્વ બેન્કે ૬૬ ટન સોનાની ખરીદી કરી હતી જે અત્યારસુધી સૌથી મોટી ખરીદી રહી હતી.
ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા, અમેરિકન ડોલરના ભાવમાં વોલેટિલિટી તથા અમેરિકન સરકારના બોન્ડસને લઈને જોવાતી ચિંતાઓને કારણે વિશ્વભરની કેન્દ્રીય બેન્કોને સોનાની વધુ ખરીદી કરવા તરફ વાળી છે.
માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં રિઝર્વ બેન્ક પાસે કુલ ગોલ્ડ રિઝર્વનો આંક ૮૭૯.૬૦ ટન હતો જે માર્ચ ૨૦૨૪ના અંતે ૮૨૨.૧૦ ટન હતો. નાણાં વર્ષ ૨૦૨૦ના અંતે રિઝર્વ બેન્ક પાસે કુલ ૬૫૩ ટન ગોલ્ડ હતું. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ડોલરમાં ભારે વધઘટ જોવા મળી રહી છે, જેને પરિણામે ગોલ્ડમાં સેફ હેવન આકર્ષણ વધ્યું છે.
ભારતના ફોરેકસ રિઝર્વમાં ગોલ્ડનો હિસ્સો વધી રહ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ૩૦ ટકાથી પણ વધુ વધારો થતા ફોરેકસ રિઝર્વમાં સોનાના મૂલ્યમાં વધારો થયો છે.